ગઝલ-કવિતાઓનું ધન લૂંટાયું, તેજ હણાયું : ખલીલ ધનતેજવી અલ્લાહને પ્યારા

ગઝલ-કવિતાઓનું ધન લૂંટાયું, તેજ હણાયું : ખલીલ ધનતેજવી અલ્લાહને પ્યારા
આ મહેફિલોમાં કાલ હું આવું કે ન આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી
વડોદરા/રાજકોટ, તા. 4 જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું આજે સવારે 86 વર્ષની વયે નિધન થતાં ગઝલ અને કવિતાઓનું `ધન' લૂંટાયાની અને `તેજ' હણાયાની લાગણી સાહિત્ય જગતમાં ફેલાઈ છે. તેમને કેટલાક સમયથી શ્વાસની બીમારી હતી. આજે સવારની નમાઝ પઢયા બાદ તેમની તબીયત લથડી હતી અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. આજે બપોરે વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી જનાઝો નીકળ્યો હતો અને તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
ખલીલ ધનતેજવીને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2012માં તેમને જૂનાગઢ ગિરી તળેટી રૂપાયન ખાતે શરદ પૂનમના દિવસે મોરારિબાપુના હસ્તે નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો હતો. આ પ્રસંગે તેમણે લાક્ષણિક અદામાં કવિતા-ગઝલનું પઠન કર્યું હતું. 
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામે 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. જ્યાં તેમણે 4 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર દાદ મળતી હોય તેવા પ્રથમ હરોળના કવિઓમાં તેમનું નામ લેવાતું હતું. તેઓ સાહિત્ય સાથે પત્રકારત્વ, પ્રિન્ટીંગ પ્રેસ, ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાયેલા હતા. તેમના નિધનથી વિશાળ સંખ્યાના ચાહકોમાં શોકનું મોજું  ફરી વળ્યું છે. 
તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે / અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે', બોલવા ટાણે જ ચુપ રહેવું નથી ગમતું મને, પણ બધાની વચ્ચે રૂબરૂ કહેવું નથી ગમતું મને.., લે આ મારી જાત ઓઢાડું તને / સાહિબા, શી રીતે સંતાડું તને... કોક દી એકાંતમાં ખપ લાગશે, લાવ મારી યાદ વળગાડું તને' જેવી ગઝલોએ ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. હિન્દી પર પણ તેમની ગજબની પક્કડ હતી. ગામડા છોડીને શહેરમાં મજૂરી કરતા ખેડૂતો વિશે તેમણે માર્મિક ચોટદાર શેર લખ્યો છે અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું. તેઓ તેમની ગઝલમાં કહી ગયા છે  ખલીલ, આ મહેફીલોમાં કાલ હું આવું કે ના આવું / ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી..  પરંતુ સાહિત્ય જગતને તેમના ન હોવાનો ફરક જરૂર પડશે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer