ત્રીજી લહેરની શક્યતાને નકારી શકાય નહીં; ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન પર ચાંપતી નજર : ડૉ. શેખર માંડે

પુણે, તા. 5 : મહારાષ્ટ્ર હાલ અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, કારણ નોવેલ કોરોના વાઇરસના ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન, એલ452આર અને ઇ484ક્યુ ઝડપથી ફેલાઈ રહ્યા છે ત્યારે પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની જરૂર છે, એમ કાઉન્સિલ અૉફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર)ના ડિરેકટર જનરલ ડૉ. શેખર માંડેએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, આ કટોકટીને ઓર ઘેરી બનાવી રહ્યા છે, એને સારી રીતે સમજી શકાય એ માટે અમે ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી અમારા ડાટાનું વિશ્લેષણ જારી કરશું. ટૂંક સમયમાં ઇન્સાકૉગ (ઇન્ડિયન સાર્સ-કોવ-2 કન્સોર્ટિયમ અૉન જીનેમિક્સ)માં અન્ય સંસ્થાઓને સાંકળવામાં આવશે. આજથી નેશનલ કેમિકલ લેબોરેટરી એનઆઈવી (નેશનલ ઇન્સ્ટિટયૂટ અૉફ વાઇરોલૉજી) અને નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ (એનસીસીએસ) સાથે મળી સેમ્પલના જિનોમિક સિક્વેન્સિંગના પ્રયાસોમાં લાગી જશે, એમ માંડેએ રવિવારે જણાવ્યું હતું.
ઇન્સાકોગ 10 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનો એક સમુહ છે, જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જીનોમિક વેરિયન્ટની સાથે મહામારીના ફેલાવા સંબંધિત બાબતોની જાણકારી મેળવવા ઉપરાંત કોવિડ-19 વાઇરસને ફેલાવતા જિનોમિક અંગેના વિશ્લેષણ માટે સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલા 10,787  નમૂનાઓમાં 700થી વધુ વેરિયન્ટ મળી આવ્યા છે, જે બિહામણું ચિત્ર રજૂ કરે છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના નમૂનાઓના વિશ્લેષણમાં ઇ484ક્યુ અને એલ452આર મ્યુટેશન સાથે નમૂનાના અંશમાં વધારો જોવા મળ્યો છે. આ પ્રકારના પરિવર્તનને કારણે રોગપ્રતિકાર શક્તિ ઘટવાથી ચેપનો ફેલાવો વધે છે. આ પરિવર્તન 15થી 20 ટકા નમૂનામાં જોવા મળ્યું છે.
નાના શહેરોમાં પરિસ્થિતિ હવે બેકાબુ બની રહી છે, એટલે લોકોએ સંક્રમણના ફેલાવાને રોકવામાં સહાયરૂપ થવા વધુમાં વધુ પ્રયાસો કરવા જોઇએ અને આ શક્ય છે. આપણે બ્રાઝિલ, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં કેસની વધતી સંખ્યા જોઈ છે,  પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ટ્રાન્સમિશનની શૃંખલા કપાય. આપણે કરેલા ઉચિત વ્યવહાર અપનાવવાની જરૂર છે. જેથી કોરોના ફેલાતો અટકાવી શકાય. ઓછામાં ઓછા એક-બે વરસ માટે લગ્ન, જન્મદિવસની પાર્ટી કે મોટા સમારંભોને પ્રતિબંધિત કરવા જોઇએ. સંકટના સમયમાં હંમેશા મહારાષ્ટ્રએ જ રસ્તો દાખવ્યો છે એમ ડૉ.  માંડેએ જણાવ્યું હતું.
Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer