નંદીગ્રામમાં કોઈ ગરબડ નથી થઈ; સીસીટીવી ફૂટેજ જુઓ

કોલકાતા, તા. 5 :  પશ્ચિમ બંગાળમાં તીવ્ર બનેલા સત્તાના સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝટકો આપતા ઘટનાક્રમમાં ચૂંટણીપંચે નંદીગ્રામમાં મતદાન દરમ્યાન ગરબડના મમતાના આક્ષેપ નકારી દીધા છે. ચૂંટણીપંચે છ પાનાનો જવાબ મમતાને મોકલતાં રવિવારે જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસનો કોઈ પોલિંગ એજન્ટ બૂથ પર આવ્યો જ નથી. બૂથ પર પોલિંગ એજન્ટને રોકવાની વાત સાવ ખોટી છે. મતદાન શાંતિપૂર્ણ થયું હતું, તેવું નોંધતા ચૂંટણીપંચે પુરાવારૂપે સીસીટીવી ફૂટેજનો ઉલ્લેખ પણ કર્યો હતો.
ચૂંટણીપંચે છ પાનાંના અહેવાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, મતદાન દરમ્યાન કોઈ જ ગરબડ થઈ નથી, તેવું સાબિત કરવા સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.સમગ્ર મતદાન પ્રક્રિયા દરમ્યાન નંદીગ્રામની પ્રાથમિક શાળામાં બૂથ નં. 7માં ભાજપ, સીપીએમ અને એક અપક્ષ ઉમેદવારના એજન્ટ અંદર જ રહ્યા હતા. બાકી પક્ષોના એજન્ટ આવતા-જતા હતા, તેવું ચૂંટણીપંચે મમતાને આપેલા જવાબમાં નોંધ્યું હતું. પંચે સ્પષ્ટ નોંધ્યું હતું કે, ફરજ દરમ્યાન કેન્દ્રીય દળના જવાન બૂથની અંદર ગયા નહોતા અને કોઈ મતદારને અંદર જતાં રોકયા નહોતા.
Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer