જરૂર પડશે તો ગુજરાત - છત્તીસગઢ મહારાષ્ટ્રને અૉક્સિજન પૂરો પાડશે

જરૂર પડશે તો ગુજરાત - છત્તીસગઢ મહારાષ્ટ્રને અૉક્સિજન પૂરો પાડશે
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રએ પડોશી રાજ્ય ગુજરાત અને છત્તીસગઢથી મેડિકલ અૉક્સિજન લેવા માટેની વાટાઘાટ શરૂ કરી છે. જોકે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે હાલ તુરત અૉક્સિજનની કોઈ અછત નથી. એફડીએએ જણાવ્યું કે, તેમણે અૉક્સિજન નિર્માતાઓ સાથે ઇમર્જન્સી બેઠક યોજી હતી. જેમાં ઉત્પાદકોને 80 ટકા જેટલો અૉક્સિજન મેડિકલ ઉપયોગ માટે રાખવા જણાવાયું છે.
એફડીએ મિનિસ્ટર રાજેન્દ્ર શિંગનેએ કહ્યું કે, રાજ્યમાં રોજનું 1250 મેટ્રિક ટન અૉક્સિજનનું ઉત્પાદન થાય છે, જેમાંથી 700 મેટ્રિક ટનનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ છતાં જો અૉક્સિજનના વધુ જથ્થાની જરૂર પડી તો પડોશી રાજ્ય ગુજરાત અને છત્તીસગઢથી અૉક્સિજન મગાવવામાં આવશે. આ અંગે વાતચીત ચાલી રહી છે. એ સિવાય પણ જરૂરિયાત હશે તો જે રાજ્યોમાં કોવિડના કેસ ઓછા છે, ત્યાંથી અૉક્સિજન મેળવાશે, એમ પ્રધાને જણાવ્યું હતું. રાજ્યના છ અગ્રણીના અૉક્સિજનના ઉત્પાદકોને 80 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે મોકલવા અંગેનો આદેશ ચાર એપ્રિલે મંજૂર કરાયો છે. એફડીએના અધિકારીના કહેવા મજબ, હાલ તુરત અૉક્સિજનની કોઈ અછત નથી, પણ અંતરિયાળ વિસ્તાર સુધી અૉક્સિજન પહોંચાડવાનું કાર્ય પડકારરૂપ છે.
શિંગનેએ રેમદેસિવિરના ઉત્પાદકોને પણ મળી પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પૂરો પાડવા જણાવ્યું હતું. પ્રધાને દાવો કર્યો હતો કે ઉત્પાદકોએ મહારાષ્ટ્રને દવા પૂરી પાડવામાં પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્ય પાસે હાલ 50થી 60 હજાર જેટલા ઇન્જેક્શન રોજ ઉપલબ્ધ થઈ રહ્યા હોવાથી અછતની સમસ્યા નથી, એમ પ્રધાને કહ્યુંછ હતું. એફડીએના અધિકારીએ હૉસ્પિટલોને વિનંતી કરી છે કે રેમદેસિવિરનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરે, કેમકે કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતા દવાની માગ પણ વધી શકે છે. ડિપાર્ટમેન્ટે દવાનું કોઈ કાળાબજાર કરતું હોય તો 1800222365 પર ફોન કરી ફરિયાદ કરવા જણાવ્યું છે.
Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer