વિરાટ કોહલી કરશે રસ્તે રઝળતાં પ્રાણીઓની સહાય

વિરાટ કોહલી કરશે રસ્તે રઝળતાં પ્રાણીઓની સહાય
અનુશ્કા શર્મા પ્રાણીપ્રેમી છે અને પ્રાણી અધિકારની હિમાયત કરતી આવી છે. તે મુંબઈની ભાગોળે ઍનિમલ ફાર્મ શરૂ કરવાની છે. તેના પ્રાણીપ્રેમથી પતિ વિરાટ કોહલીને પણ પ્રેરણા મળી છે અને હવે તે રસ્તે રઝળતાં પ્રાણીઓને સહાય કરવા સક્રિય બન્યો છે. વિરાટ કોહલી ફાઉન્ડેશન વિવાલ્ડિઝ ઍનિમલ હેલ્થ અને આવાઝ વૉઈસ અૉફ સ્ટ્રે એનિમલ્સ સાથે મળીને મલાડ અને બોઈસરમાં બે ઍનિમલ શૅલ્ટર્સ શરૂ કરશે. મલાડનું આશ્રયસ્થાન હંગામી પુનર્વસન કેન્દ્ર હશે અને અહીં શ્વાન અને બિલાડી જેવા નાના પ્રાણીઓને સાજા થાય ત્યાં સુધી રાખવામાં આવશે. આ કેન્દ્રમાં ઈજાગ્રસ્ત પ્રાણીઓને તબીબી સહાય આપવામાં આવશે. જયારે બોઈસરના કેન્દ્રમાં અંધ કે પક્ષાગાત થયો હોય એવા પ્રાણીઓને કાયમી ધોરણે રાખવામાં આવશે. વિરાટ પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સ આપશે જયારે વિવાલ્ડિઝ ઍનિમલ હેલ્થ તેમની તબીબી જરૂરિયાતનું ધ્યાન રાખશે. 
વિરાટે જણાવ્યું હતું કે, અનુશ્કાની જેમ હવે પ્રાણી કલ્યાણનો મુદ્દો મને પણ સ્પર્શી ગયો છે. ભારતભરના રસ્તે રઝળતાં પ્રાણીઓને મદદ કરવાની તેની દૃષ્ટિથી મને પ્રેરણા મળી છે. હું રસ્તે રઝળતાં પ્રાણીઓના અધિકારો  અને તેમને જોઈતી તબીબી સહાય વિશે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણા શહેરમાં રસ્તે રઝળતાં પ્રાણીઓ માટે સુરક્ષિત સ્થળનું નિર્માણ કરવાનું અમારું સપનું છે. આથી જ મેં વિવાલ્ડિઝ અને આવાઝ સાથે મળીને આ પ્રોજેકટ હાથમાં લીધો છે. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer