નામ અને ખેલાડી બદલવાથી પંજાબ કિંગ્સની કિસ્મત પલટાશે ?

નામ અને ખેલાડી બદલવાથી પંજાબ કિંગ્સની કિસ્મત પલટાશે ?
કેએલ રાહુલના નેતૃત્વ અને અનિલ કુંબલેના માર્ગદર્શનમાં પંજાબની ટીમ પહેલીવાર ચૅમ્પિયન બનવા માટે આશાવાદી
નવી દિલ્હી, તા. 5 : નવું નામ અને કેટલાક નવા ખેલાડીઓ સાથે પંજાબ કિંગ્સ આઇપીએલની આગામી સિઝનમાં તેની કિસ્મત બદલવાની આશા સેવી રહી છે. જે માટે તેણે આખરી ઓવરોની બોલિંગ ચિંતા દૂર કરવાની સાથે મધ્યક્રમને મજબૂત કરવા પર આ વખતે જોર આપ્યું છે. ગત સિઝનમાં પંજાબની ટીમ આખરી તબક્કામાં સતત પાંચ જીત સાથે પ્લેઓફની નજીક પહોંચીને છઠ્ઠા સ્થાન પર રહી હતી. પંજાબ કિંગ્સ આઇપીએલ-14માં તેના અભિયાનની શરૂઆત 12મીએ રાજસ્થાન રોયલ્સ સામે રમીને કરશે.
યૂએઇમાં રમાયેલ આઇપીએલની પાછલી સિઝનમાં ઝડપી બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમીને બીજા કોઇ બોલરોનો સારો સાથ મળ્યો ન હતો. આ ઉપરાંત બિગ હિટર ગ્લેન મેક્સવેલનું બેટ પણ શાંત રહ્યંy હતું. આ વખતે ફ્રેંચાઇઝીએ આ ચિંતાઓ દૂર કરવા પર ધ્યાન આપ્યું છે. પંજાબનો સૌથી મજબૂત પક્ષ તેની બેટિંગ છે. કપ્તાન કેએલ રાહુલે પાછલી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને ઓપનર મયંક અગ્રવાલનો સારો સાથ મળ્યો હતો. યૂનિવર્સલ બોસ ક્રિસ ગેલની શરૂઆતના મેચમાં પંજાબને સેવા મળી ન હતી. બાદમાં તેણે 7 મેચમાં 137.14ની સ્ટ્રાઇક રેટથી 288 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેને પહેલા મેચથી જ મોકો મળવાની પૂરી શકયતા છે.
પંજાબ કિંગ્સ ટીમમાં ટી-20 ક્રિકેટનો નંબરવન બેટ્સમેન ડેવિડ મલાન આ વખતે સામેલ થયો છે. જે મેક્સવેલની ખોટ ભરી શકે છે. કેરેબિયન વિકેટકીપર નિકોલસ પૂરન, કાંગારૂ ઓલરાઉન્ડર મોઇસેસ હેનરિક્સ અને તામિલનાડુનો યુવા બેટધર શાહરૂખ ખાન મધ્યક્રમને મજબૂતી આપી શકે છે. દીપક હુડ્ડા મોટા શોટ રમે છે. ફેબિયન એલનના રૂપમાં વિદેશી ઓલરાઉન્ડર પણ પંજાબ પાસે છે.
ઓસ્ટ્રેલિયન જાય રિચર્ડસન અને રિલે મેરેડિથના આગમનથી ટીમની ઝડપી બોલિંગ મજબૂત થઇ છે. જેથી શમી અને ક્રિસ જોર્ડન પરનો ભાર ઓછો થઇ શકે છે.
ટીમ પાસે કોઇ સારા સ્પિનર નથી. કે. ગૌતમને હટાવી દીધો છે. આથી મુરુગન અશ્વિન અને યુવા રવિ બિશ્નોઇ પણ મદાર રાખવો પડશે. જલજ સકેસના ટીમ સાથે જોડાયો છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં 10 વિકેટ લીધી છે.
પંજાબની ટીમે હજુ સુધી આઇપીએલનો ખિતાબ જીત્યો નથી. કેએલ રાહુલના સુકાનીપદ હેઠળ આ ટીમ કાગળ પર મજબૂત જોવા મળે છે. કોચ અનિલ કુંબલેના માર્ગદર્શનમાં તે પહેલીવાર ચેમ્પિયન બનવા આશાવાદી છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer