ડિ''કોક નહીં, હું જ રનઆઉટ માટે જવાબદાર : ફખરની ખેલદિલી

ડિ''કોક નહીં, હું જ રનઆઉટ માટે જવાબદાર : ફખરની ખેલદિલી
જોહાનિસબર્ગ, તા. 5 : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધના બીજા વન ડેમાં પાક. બેટધર ફખર ઝમાંનો રન આઉટ થવાનો કિસ્સો ચર્ચામાં છે. આને લઇને આફ્રિકી વિકેટકીપર કિવંટન ડિ'કોક ટીકાકારોના નિશાન પર છે. જો કે બેવડી સદી સાત રને ચૂકી જનાર ફખર ઝમાં તેના રનઆઉટ થવા પર કોઈને દોષ આપી રહ્યો નથી. તે આ માટે ખુદને જવાબદાર ઠેરવી રહ્યો છે. 
મેચ બાદ મેન ઓફ ધ મેચ ફખર ઝમાંએ કહ્યંy કે હા, આ મારી ભૂલ હતી. હું જ બીજા છેડા પર હેરિસ રાઉફને જોવામાં વધુ વ્યસ્ત હતો. મને એમ હતું કે તે ક્રિઝથી મોડેથી રન લેવાની શરૂઆત કરી હતી. મને લાગ્યું કે તે મુશ્કેલીમાં હશે. બાકી શું નિર્ણય લેવો તે મેચ રેફરીને આધિન છે. મને લાગે છે કે આમાં ડિ'કોકની કોઈ ભૂલ ન હતી.
નિયમ શું કહે છે ?
એમસીસીના નિયમ 41.5 અનુસાર બેટસમેન દ્રારા બોલને રમાયા બાદ ફિલ્ડર જાણીજોઇને, શાબ્દિક કે ક્રિયાત્મક રીતે બેટધરનું ધ્યાનભંગ કરે કે બાધા ઉભી કરે તો તેને નિયમ વિરૂધ્ધ ગણાવામાં આવે. જે માટે અમ્પાયર ફિલ્ડીંગ ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવી શકે છે અને એ બોલને ડેડ બોલ જાહેર કરી શકે છે. આ સાથે બેટિંગ કરનારી ટીમના સ્કોરમાં પાંચ રનનો ઉમેરો થાય છે. આ ઉપરાંત એ દડામાં જેટલા રન થયા હોય તે પણ મળે છે. આ ઘટના પાક.ની આખરી ઓવરના પહેલા દડે બની હતી. આથી સમીકરણ બદલી જાત અને પાક.ને 6 દડામાં 24 રનની જરૂર રહેત. ઉપરાંત ફખર ઝમાં સ્ટ્રાઇક પર હોવાનો ફાયદો પણ મળત.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer