અમેરિકી જોબ ડેટા સુધરતાં સોના-ચાંદીમાં સુસ્તી

અમેરિકી જોબ ડેટા સુધરતાં સોના-ચાંદીમાં સુસ્તી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 5  : લાંબી રજાઓ પછી વૈશ્વિક બજાર ખૂલતા સોનામાં સુસ્તીનો માહોલ હતો. અમેરિકાના રોજગારીના આંકડાઓથી અર્થતંત્રમાં ઝડપથી વિકાસ શરું થશે તેવા હકારાત્મક ચિહનો મળ્યા હોવાથી સોનું સહેજ ઘટીને 1726 ડોલરની સપાટીએ હતુ. વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં સુધારો હતો. અલબત્ત ભારતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ગભરાટભરી વેચવાલીથી કડાકો સર્જાયો હતો.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ. 90ના ઘટાડામાં રુ. 46840 હતો. જ્યારે મુંબઇ બજાર ત્રણ દિવસની રજા પછી ખૂલતા આગલા બંધની તુલનાએ રુ. 640 ઉંચકાઇને રુ. 45259 રહ્યો હતો. ચાંદી ન્યૂયોર્કમાં 24.82 ડોલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રુ. 66000ના ભાવ સ્થિર હતા. મુંબઇ ચાંદી રુ. 1225 ઉંચકાઇને રુ. 64962 રહી હતી. 
યુરોપમાં ઇસ્ટરની રજા હોવાને લીધે મોટાંભાગની બજારો બંધ હતી. જોકે અમેરિકા અને એશિયાની માર્કેટ ચાલુ હતી. અમેરિકાના નોન ફાર્મ પે રોલ ડેટા સ્થિર આવ્યા છે. એ જોતા અર્થતંત્રમાં વેગ આવતો હોવાના સંકેતો મળ્યા છે અને સોનાની સલામત રોકાણ માટેની માગમાં ઘટાડો થયો છે. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે લોકો સલામત રોકાણની તુલનાએ થોડું જોખમ લેવા તૈયાર થઇ જાય છે એ કારણે ઇક્વિટીમાં ઘટાડે ખરીદી છે.  
સોનામાં ખાસ કસ દેખાતો નથી. વૈશ્વિક શેરબજારોમાં દોઢ મહિનાની ઉંચાઇ જોવા મળી હતી. કારણકે અમેરિકાએ માર્ચ મહિનામાં પાછલા સાત મહિનામાં સૌથી વધારે રોજગારીનું સર્જન કર્યું છે. ડોલર અને બોન્ડના યીલ્ડમાં સાધારણ સુધારો હતો. અમેરિકી પ્રમુખ જો બાઇડને 2 ટ્રીલીયન ડોલરના પેકેજથી ફુગાવો થોડો વધશે એવું કહ્યું હતુ. જોકે ફેડ વ્યાજદરમાં કોઇ ફેરફારો 2023ના અંત સુધી કરવા માગતી નથી એવી જાહેરાત કરવામાં આવેલી છે. જોકે ફુગાવો ધારણા કરતા વધારે ઝડપથી ઉંચકાઇ જાય તો ફેડને વહેલા વ્યાજદર વધારો કરવો પડી શકે છે. વ્યાજદરમાં વધારો થાય તો તે સોના માટે નકારાત્મક પરિબળ બની જશે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer