ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટતાં સોનાની આયાતમાં ઉછાળો

ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટતાં સોનાની આયાતમાં ઉછાળો
નવી દિલ્હી, તા. 5 : પાછલા બજેટમાં ગોલ્ડ ઉપરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો જાહેર થયા બાદ સોનાની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. આ વર્ષે માર્ચમાં ગોલ્ડના ઈમ્પોર્ટમાં 471 ટકાનો વધારો નોંધાયો છે. તે લગભગ 160 ટન રહ્યો. 
દેશમાં ગોલ્ડનો ઉપયોગ વધ્યો છે. આ વર્ષે માર્ચમાં ગોલ્ડના ઈમ્પોર્ટમાં 471 ટકાનો વધારો નોંધાયો છે. તે લગભગ 160 ટન રહ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે.  
ઈમ્પોર્ટ વધવાના બે કારણો છે. ફેબ્રુઆરીમાં સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટીમાં કાપ મૂકી 10.75 ટકા કરી છે, જે પહેલા 12.5 ટકા હતી. આ સિવાય સોનાનો ભાવ સતત ઘટ્યો છે. સોનુ ગત વર્ષે ઓગસ્ટમાં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. માર્ચ 2021માં સોનુ એક વર્ષના સૌથી નીચલા ભાવ 43320 રૂપિયા પર આવી ગયુ હતું. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગોલ્ડની ખરીદી કરનાર દેશ છે. 
ગોલ્ડ ઈમ્પોર્ટ વધવાથી ભારતની વેપાર ખાધ વધી શકે છે અને ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત ઘટવાની શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ ત્રિમાસિકમાં રેકોર્ડ 321 ટનનું ઈમ્પોર્ટ થયું, જે ગત વર્ષના આ ગાળામાં 124 ટન રહ્યું હતું. વેલ્યુની રીતે વાત કરવામાં આવે તો માર્ચમાં ઈમ્પોર્ટ વધીને 61.53 હજાર કરોડ રૂપિયા રહ્યું, જે એક વર્ષ પહેલા માત્ર 9 હજાર કરોડ રૂપિયાથી સહેજ વધુ હતું. 
જવેલરી ઉત્પાદન સાથે સંકળાયેલા કારોબારીઓએ જણાવ્યું કે ડિમાન્ડ વધવાથી સમગ્ર મહિનો સોનુ પ્રીમિયમ પર વેચાયું. આ દરમિયાન એક ઐંસ પર 6 ડોલર સુધીનું પ્રીમિયમ વસુલવામાં આવ્યું. જોકે કોરોનાના વધતા પ્રકોપને કારણે તેની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, એવામાં સરકાર નવા પ્રતિબંધો મૂકી શકે છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer