કોવિડના વધી રહેલા કેસ વચ્ચે
મુંબઈ, તા. 5?: રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) તેની દ્વિમાસિક નાણાં સમીક્ષા બેઠક બાદ આવતી 7મી એપ્રિલે રેપોરેટ જાહેર કરશે. કોવિડના સતત વધી રહેલા કેસ વચ્ચે આરબીઆઈ ગવર્નર રેપોરેટ જાળવી રાખે તેવી શકયતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના નેજા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક પૂરી થયા બાદ 7મી એપ્રિલે રેપોરેટ સંદર્ભે નિર્ણય જાહેર કરશે.
વિકાસ દરને જાળવી રાખવા સંદર્ભે ધિરાણ દરોમાં ફેરફાર કરવાનું ટાળવામાં આવે તેવી શકયતા છે. કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે આરબીઆઈ ધિરાણ દરોમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા જણાતી નથી.
ગત પાંચમી ફેબ્રુઆરીએ આરબીઆઈએ ફુગાવો વધવાની ચિંતાએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા નહોતા અને તે ચાર ટકા ઉપર જાળવી રાખ્યા હતા. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.
ગયા વર્ષની 22મી મેએ આરબીઆઈએ વિકાસ દરમાં વૃદ્ધિ લાવવા માટે રેપો રેટને ઘટાડીને ઐતિહાસિક ચાર ટકાએ મૂક્યા હતા.
નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ તેની અર્થતંત્ર માટે અનુકૂળ નીતિ જાળવી રાખશે.
નાણાં વર્ષ 2022ના બીજા છમાસિક ગાળામાં આરબીઆઈ તેની ધિરાણ નીતિને સામાન્ય બનાવશે એવી શક્યતા છે.
રિટેલ ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે વિકાસ દરને જાળવી રાખવા માટે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરે, એમ યુબીએસ સિક્યુરિટીઝના તન્વી જૈને જણાવ્યું છે.
દરમિયાન આનંદ રાઠીના અહેવાલ મુજબ ગત ત્રણ મહિનામાં રિટેલ ફુગાવો સતત વધ્યો હોવાથી આરબીઆઈ માટે મૂંઝવણભરી સ્થિતિ નિર્માણ થઈ છે.આવા માહોલમાં આરબીઆઈ ધિરાણ દરો જાળવી રાખે તેવી શકયતા વધુ છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.
Published on: Tue, 06 Apr 2021
આરબીઆઈ રેપોરેટ જાળવી રાખે તેવી શકયતા
