મુંબઈ, તા. 5 : માર્ચ મહિનામાં કોવિડના કેસિસ વધવાના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રની ગતિવિધિ મંદ પડી હતી અને પીએમઆઇ સાત માસના નીચલા સ્તરે 55.4 થયો છે, જે ફેબ્રુઆરીમાં 57.5 હતો.
આઇએચએસ માર્કિટ્સ પર્ચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ (પીએમઆઇ) 50 અંકથી નીચે અર્થતંત્રમાં સંકોચન અને તેથી ઉપર અર્થતંત્રમાં વૃદ્ધિનો સંકેત કરે છે. આરબીઆઇની મોનેટરી પૉલિસી કમિટીની બેઠક શરૂ થઇ છે ત્યારે માર્ચ પીએમઆઇના આંકડા જાહેર થયા છે. એમપીસી તેનો નિર્ણય બુધવારે જાહેર કરશે.
કોવિડ -19 રોગચાળામાં આવેલા ઉછાળાના કારણે કાચા માલની સપ્લાયને અસર થઇ છે અને પરિણામે તૈયાર માલના ઉત્પાદન ઉપર માઠી અસર પડી હોવાનું આઇએચએસ માર્કિટના ચીફ ઇકોનોમિસ્ટ પૉલિયાના ડી' લિમાએ તેમના અહેવાલમાં જણાવ્યું છે. ફેબ્રુઆરીમાં મુખ્ય આઠ ક્ષેત્રોનો દેખાવ નબળો રહેવાના કારણે માર્ચ મહિનામાં પીએમઆઇનો દેખાવ નબળો રહ્યો છે. કૉર સેક્ટરનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં 4.6 ટકા ઘટયું હતું.
માર્ચમાં રોજગારીનો દર પણ ઘટયો હતો, આમ સતત એક વર્ષ સુધી રોજગારીમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે. પીએમઆઇ દ્વારા આશરે 400 મેન્યુફેક્ચરિંગ એકમોના કરાયેલા સર્વેના આધારે રોજગારીમાં થયેલા ઘટાડાનો અંદાજ મેળવવામાં આવ્યો છે. રોજગારમાં ઘટાડાનો દર માફક છે પણ ગયા સપ્ટેમ્બર માસ બાદ તેમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
દેશના અનેક રાજ્યોમાં કોવિડ સંબંધી નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે, તેથી પે રોલની સંખ્યા ઘટી છે અને પેન્ડિંગ બિઝનેસમાં સામાન્ય વધારો થયો છે. તે કારણે એપ્રિલ માસ ઉત્પાદકો માટે પડકારરૂપ રહેશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
Published on: Tue, 06 Apr 2021
માર્ચમાં ઉત્પાદનની ગતિવિધિ મંદ પડી : પીએમઆઇ ઘટીને સાત માસના નીચલા સ્તરે
