રફાલ બનાવતી કંપની દસોંએ ભારતીય વચેટિયાને ગિફ્ટ તરીકે કરોડો ચૂકવ્યાનો ખુલાસો

નવીદિલ્હી, તા.પ: ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા રાફેલ યુદ્ધ વિમાનોનાં સોદામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભોરિંગ બેઠો થઈ ગયો છે. રાફેલના સોદા અંગે ફ્રાંસની એક સમાચાર વેબસાઇટે સનસનીખેજ દાવા કર્યા છે. જેમાં રાફેલ બનાવતી ફ્રાંસની કંપની દસોલ્ટ તરફથી ભારતના એક વચેટિયાને આશરે 8 કરોડ 62 લાખ રૂપિયા ભેટ સ્વરૂપે અપાયા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
ફ્રાંસની વેબસાઇટ મીડિયાપાર્ટે રાફેલ પેપર્સ નામે એક અહેવાલ જારી કર્યો છે. જેમાં આ સોદા વિશે અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાફેલના સોદામાં દસોલ્ટ એવિએશને એક ભારતીય વચેટિયાને આ સોદાના બદલામાં કરોડો રૂપિયા ધર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વચેટિયાને 10 લાખ યુરો એટલે કે આશરે 8 કરોડ 62 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવાઈ હતી અને ગિફ્ત તરીકે ચૂકવાયેલાં નાણાં અંગે દસોલ્ટ ફ્રાંસની એન્ટી કરપ્શન એજન્સીના અધિકારીઓને ઉચિત જવાબ આપી શકી નથી.
ફ્રાંસની એન્ટી કરપ્શન એજન્સી એએફએ દ્વારા દસોલ્ટનાં ખાતાઓનાં ઓડિટ હાથ ધરવામાં આવેલાં. જેમાં આ ખુલાસો થતાં દસોલ્ટે સ્પષ્ટતામાં કહ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ રાફેલ વિમાનના પ0 જેટલા મોટા મોડેલ-પ્રતિકૃતિઓ બનાવવા માટે થયો હતો. જો કે વાસ્તવમાં આવા કોઈ મોડેલ બન્યા હોવાની પુષ્ટિ મળી નથી. 
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓડિટમાં આ ગોટાળો બહાર આવ્યા બાદ પણ એજન્સી તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જે ફ્રાંસના રાજનેતાઓ અને ન્યાય વ્યવસ્થાની મિલીભગત બતાવે છે. 
દસોલ્ટ ગ્રુપ તરફથી ગિફ્ટમાં અપાયેલી રકમનો બચાવ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ભારતીય કંપની ડીફ્સીસ સોલ્યુશન્સનાં ચલણના આધારે એવું બતાવવામાં આવ્યું હતું કે, રાફેલનાં પ0 જેટલા મોડેલ તૈયાર થયાં હતાં અને તેની અડધી રકમ કંપનીએ ચૂકવી હતી. પ્રત્યેક મોડેલની કિંમત આશરે 20 હજાર યુરો જેટલી હતી. જો કે આ તમામ આરોપોના દસોલ્ટ પાસે કોઈ જવાબ નહોતા. 
કૉંગ્રેસના પાંચ સવાલ
1 - દસોલ્ટ દ્વારા 1.1 મિલિયન યુરો ગિફ્ટ પેટે ચૂકવાયા તે વચેટિયાને દલાલી પેટે અપાયા હતા ?
2 - જો બે દેશ વચ્ચે સોદો થયો હોય તો કોઈ વચેટિયાને તેમાં કેવી રીતે સ્થાન હોઈ શકે ?
3 - શું આ મામલો બહાર આવ્યા પછી રાફેલ સોદા સામે પ્રશ્નો ઉભા નથી થતા ?
4 - કોને કેટલાં નાણાં ચૂકવાયા તેની તપાસ ન થવી જોઈએ ?
પ - શું વડાપ્રધાન આના વિશે કોઈ જવાબ આપશે ?

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer