દુકાનો બંધ રાખવાના આદેશ સામે વેપારી આલમમાં સખત નારાજગી

નવથી પાંચ દુકાનો ખોલવા દો: ઇ-કૉમર્સ પ્રત્યે કુણું વલણ શા માટે?
મુંબઈ, તા. 5 : કરિયાણા, દવા, શાકભાજી અને જીવનજરૂરિયાતની ચીજો સિવાયની બધી દુકાનો, મોલ્સ તથા બજારો 30 એપ્રિલ સુધી બંધ રાખવાના રાજ્ય સરકારના આદેશ સામે શહેરના વેપારીવર્ગમાં તીવ્ર નારાજગી પ્રવર્તે છે. વેપારી સંગઠનોએ આ પગલાંને અર્થવ્યવસ્થા માટે હાનિકારક ગણાવીને બધી દુકાનો અને અૉફિસો નવથી પાંચ સુધી ખુલ્લી રાખવા- દેવાની માગણી કરી છે.
ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ વિનેશ મહેતા અને ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે લીધેલાં પગલાંની અમે કદર કરીએ છીએ, પરંતુ આવશ્યક ચીજો સિવાયની દુકાનો, બજારો તથા મોલ્સ 30 એપ્રિલ સુધી બંધ રાખવાના નિર્ણયથી શહેરની સમગ્ર આર્થિક પ્રવૃત્તિનો સખત ફટકો પડશે.
આંશિક લૉકડાઉન જાહેર કરવા પાછળનાં કારણો અમે સમજીએ છીએ પણ તેને કારણે માંડ માંડ બેઠા થઈ રહેલા વેપાર, ધંધા અને ઉદ્યોગો ફરીથી પાછળ ધકેલાઈ જશે. પરપ્રાંતીય મજૂરો સ્થળાંતર કરવા લાગશે.
ઈ-કૉમર્સને રાબેતા મુજબ ધંધો કરવાની છૂટ અપાઈ છે ત્યારે દુકાનો, બજારો અને મોલ્સ પર અનેક જાતનાં નિયંત્રણો લાદવામાં મહારાષ્ટ્રના ભૂમિપુત્રોને અન્યાય થાય છે, એમ કહીને ફામે બધી જ અૉફિસો અને દુકાનોને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવાનું સૂચન ર્ક્યું છે.
દુકાનો અને અૉફિસોમાં કોરોના સંબંધી સરકારી આદેશોનું કડકપણે પાલન થવું જોઈએ અને પચાસ ટકા સ્ટાફ હાજર રહે, બાકીનો ઘરેથી કામ કરે એવું સૂચન ફામે ર્ક્યું છે.
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે કોઈપણ જાતની રાહત કે સબસિડી આપ્યા વગર દુકાનો અને અૉફિસો બંધ રાખવાના રાજ્ય સરકારના આદેશનો વિરોધ ર્ક્યો છે.
શાહે એક નિવેદનમાં કહ્યું છે કે સ્ટાફને કોઈ પ્રકારની રાહત, પ્રોપર્ટી ટૅક્સ, લાઈસન્સ ફી, ભાડાં કે અન્ય સ્થાયી ખર્ચામાં કોઈ છૂટછાટ વગર અૉફિસો અને દુકાનો બંધ કરવાના પગલાંનો અમે વિરોધ કરીએ છીએ. ઈ-કૉમર્સ કંપનીઓ તમામ પ્રકારની ચીજવસ્તુઓ વેચી શકે જ્યારે અન્ય વેપારીઓએ નિયંત્રણોને સામનો કરવો પડે તેની સામે અમારો વિરોધ છે. આ પક્ષપાતભર્યા નિર્ણયથી રાજ્યના છૂટક તથા જથ્થાબંધ વેપારને પારાવાર નુકસાન થશે, એમ શાહે જણાવ્યું હતું.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer