લૉકડાઉન દરમિયાન મેદસ્વિતાની સમસ્યા વધી : નિષ્ણાતો

મુંબઈ, તા. 5 : ટાઈપ ટુ ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ, હૃદયરોગ, સાંધાને લગતી સમસ્યાઓ, પીસીઓએસ, ફેફસાં અને લિવરના રોગો તથા કેટલાક કૅન્સરનું મૂળ કારણ ઓબેસિટી (સ્થૂળતા) છે. મોટાભાગના બિનચેપી રોગોમાં નિયમિત કસરત મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ ગયા વર્ષે અચાનક આવેલા લૉકડાઉનને કારણે જીમ, પાર્ક અને યોગા સેન્ટર વગેરે બંધ થઈ જતાં દરેકને ફરજિયાત ઘરે રહેવાનો વારો આવ્યો હતો. ઘણાંને વજનવધારાની સમસ્યાનો સામનો કરવો પડયો. જેઓ પહેલાંથી જ સ્થૂળ હતા તેમની સ્થિતિ વધુ વણસી હતી.
ઓબેસિટી ધરાવતા ઘણાં દર્દીઓએ ફેબ્રુઆરી-માર્ચ 2020માં બેરિઆટ્રિક સર્જરી માટે ડૉક્ટરોનો સંપર્ક ર્ક્યો હતો. પરંતુ ઈલેક્ટિવ (વૈકલ્પિક) સર્જરીઓ ત્યારે હોલ્ડ પર મૂકાઈ હોવાથી તેમણે રાહ જોવી પડી હતી. પરંતુ આલોક શાહ (નામ બદલ્યું છે) જેવા કેટલાક દર્દીઓના વજનમાં નોંધપાત્ર વધારો થતાં તેઓ ફરીથી સંપર્ક કરી રહ્યા હતા. આલોક બૅંગ્લોરમાં આઇટી કંપનીમાં કામ કરે છે. તેણે ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કરને અૉનલાઈન કન્સલટેશન દ્વારા જણાવ્યું હતું કે એનું વજન લગભગ 156 કિલો છે અને લૉકડાઉનમાં એની શારીરિક સ્થિતિ વધુ વણસી ગઈ હતી. થોડા ડગલાં ચાલવામાં પણ એને તકલીફ થતી હતી. ઘૂંટણમાં અસહ્ય દુખાવો, હાંફ ઉપરાંત રોજિંદી ક્રિયાઓ પણ મુશ્કેલ બની હતી. આખો દિવસ ઊંઘ આવતી હતી અને કામમાં ધ્યાન લાગતું નહોતું.
જાણીતા બેરિઆટ્રિક અને લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કરે જણાવ્યું હતું કે આલોકનું વાસ્તવિક વજન 187 કિલોગ્રામ હતું અને 36 વર્ષની વયે એ 66 વર્ષની વ્યક્તિ જેવું અનુભવતો હતો. ડિસેમ્બર 2020ના ત્રીજા અઠવાડિયામાં આલોક પર લેપ્રોસ્કોપિક ગેસ્ટ્રિક બાયપાસ પદ્ધતિથી બેરિઆટ્રિક સર્જરી કરવામાં આવી હતી. એને લીધે એના ખોરાકમાં ઘટાડો થયો હતો, પેટ ભરેલું લાગતું હતું, ભૂખ ઘટી હતી અને વજનમાં ઘટાડાને કારણે હોર્મોનલ ફેરફાર થયા હતા. ત્રણ મહિનામાં એનું 30 કિલો વજન ઘટયું હતું. લગભગ 12થી 16 મહિના સુધી એના વજનમાં ઘટાડો થતો રહેશે, એવું ડૉ. અપર્ણાએ જણાવ્યું હતું. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer