મુંબઈ, તા. 5 :રાજ્યમાં થોડા દિવસોથી કોરોનાના દરદીઓની સંખ્યામાં ભોરે વધારો થઈ રહ્યો છે અને લૉકડાઉનનો હાઉ ઊભો થયો છે આને કારણે રાજ્ય બહારના મજૂરો પાછા તેમના વતન જઈ રહ્યા છે. લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ખાતે રવિવારે ધોમધખતા તાપમાં પોતાના ગામ જવા માગતા મજૂરોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
રવિવારે બપોરે મજૂરો તેમના પરિવાર સાથે એલટીટી સ્ટેશન પર આવ્યા હતા. જોકે, રેલવે પ્રશાસને મજૂરોને પાછા ઘરે જવા માટે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યું નથી. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારે વધારો થતાં મજૂરો પરિવાર અને જરૂરી સામાન સાથે પોતાના વતન જવા નીકળ્યા હતા. પ્રતિબંધો આકરા કરાતા દુકાનો, રેસ્ટોરાં, નાની કંપનીઓના કામદારો લૉકડાઉનને કારણે ચિંતિત છે. લૉકડાઉનને કારણે ઘણાએ નોકરી ગુમાવી હતી. હવે પાછા એ જ દિવસો પાછા નથી જોવા એવું વિચારી કામદારોએ પોતાના વતનની વાટ પકડી છે.
મધ્ય રેલવેના સીએસએમટી, એલટીટી, પનવેલ તો પશ્ચિમ રેલેના મુંબઈ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસથી પોતાના ગામ જવા માગતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. એલટીટી ટર્મિનસથી લાંબા અંતરની 20 ટ્રેનો રોજ દોડાવાય છે. એમાં સૌથી વધુ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પટના માટે છે. આ બધી ટ્રેનોનું રિઝર્વેશન ફુલ હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું. સ્ટેશન પર ભારે ભીડ થતી હોવાથી અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાથી પ્રશાસનની ચિંતામાં વધારો થાય એવી શક્યતા છે.
રિઝર્વેશન હશે તેઓ જ મુસાફરી કરી શકશે
લાંબા અંતરની ટ્રેનોમાં જેમનું રિઝર્વેશન હશે તેઓ જ મુસાફરી કરી શકશે. ટિકિટ વગર પ્રવાસ કનારા વિરુદ્ધ ટિકિટ ચેકર કાર્યવાહી કરશે. પ્રવાસીઓએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝરજેવા ત્રણ સૂત્રનું પાલન કરવું પડશે, એમ મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું.
Published on: Tue, 06 Apr 2021