નક્સલીઓ સામેની લડાઈ નિર્ણાયક દોરમાં : અમિત શાહ

છત્તીસગઢના જગદલપુરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, તા. 5 : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર બીજાપુરમાં થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા હતા. જ્યાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભુપેશ બધેલે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ અમિત શાહે શિર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ શાહે કહ્યું હતું કે નક્સલવાદીઓ સાથેની લડાઈ નિર્ણાયક દોરમાં છે. આ લડાઈ બંધ નહી થાય પણ વધુ તેજ બનશે. 
છત્તીસગઢના જગદલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તેઓએ છત્તીસગઢના સીએમ ભુપેશ બધેલ અને સુરક્ષા દળોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આ લડાઈ કમજોર થવી જોઈએ નહી. જેનાથી ખ્યાલ આવે છે કે જવાનોનું મનોબળ યથાવત છે. શાહે કહ્યું હતું કે નક્સલીઓને આ લડાઈના અંજામ સુધી લઈ જવામાં આવશે. દેશ જવાનોના બલીદાનને ભૂલશે નહી. જવાનોએ શહીદી આપી છે. આ ખૂનખરાબાને સહન કરવામાં નહી આવે અને યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપવામાં આવશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર શાંતિ અને પ્રગતિના દુશ્મનો સામેની લડાઈ જારી રાખશે. 
આ અગાઉ અમિત શાહે સીઆરપીએફના મહાનિદેશક કુલદીપ સિંહને સ્થિતિની સમીક્ષા કરવા છત્તીસગઢ જવા કહ્યું હતું અને સીએમ ભુપેશ બધેલ સાથે પણ વાતચીત કરી હતી. સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે ભુપેશ બધેલે અમિત શાહને કહ્યું હતું કે નક્સલવાદીઓઓઁ પોતાની હાજરી બતાવવા માટે હિંસા કરી છે. કારણ કે લોકોનો માઓવાદી વિચારધારાથી મોહભંગ થઈ રહ્યો છે. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer