રફાલ અંગે નવા અહેવાલથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે શરૂ થયો આક્ષેપબાજીનો દોર

આનંદ વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : વર્ષ 2016માં ભારત અને ફ્રાન્સની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા બાદ ફ્રાન્સની યુદ્ધ વિમાન બનાવતી કંપની દસોંએ એક ભારતીય વચેટિયાને 10 લાખ યુરો ચૂકવ્યા હતા, એવા ફ્રેન્ચ મીડિયામાં અહેવાલ પ્રગટ થવાને પગલે ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉંગ્રેસ બંનેએ એકબીજાની સામે આક્ષેપબાજી શરૂ કરી હતી. ભાજપે આ અહેવાલને પાયાવિહોણો વર્ણવ્યો હતો, જ્યારે કૉંગ્રેસે આ બાબતની તપાસ યોજવાની માગણી કરી હતી.
ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના આક્ષેપોને ઊછાળવા બદલ કેન્દ્રના પ્રધાન રવિશંકર પ્રસાદે હરીફ કૉંગ્રેસ પક્ષને નિશાન બનાવ્યો હતો. રફાલ અંગેના નવા અહેવાલને ``કૉર્પોરેટ હરીફાઈ'' અને ``સંપૂર્ણપણે બેબુનિયાદ'' તરીકે વર્ણવીને ફગાવી દઈ, રવિ શંકર પ્રસાદે સશસ્ત્ર દળોના ખમીર-જુસ્સાને કમજોર બનાવવાનો કૉંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો અને તેને એવી યાદ અપાવી હતી કે, અહેવાલમાં નામોલ્લેખ કરાયેલા `સુશેન ગુપ્તા'ને કૉંગ્રેસની સાથે સંબંધો હતા જેવું કે અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં પુરવાર થયું હતું.
પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષ ફરી રફાલની વાતો કરી રહ્યો છે. 2019ની સામાન્ય ચૂંટણીના પ્રચારની સાથે શું થયું હતું. મને એવી જાણ કરાઈ છે કે, રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા અને પક્ષના પ્રવક્તા પણ નથી કરતા, એમ પ્રસાદે અહેવાલમાં નામોલ્લેખિત વ્યક્તિ પ્રત્યે નિર્દેશ કરીને જણાવ્યું હતું કે અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં પણ એ વ્યક્તિનો નામોલ્લેખ હતો, જે કેસમાં પરિવારના સભ્યોનો અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો નામોલ્લેખ કરાયો હતો. તેમણે અમુક સુશેન ગુપ્તા વિશે વાત કરી છે જે અગસ્તા વેસ્ટલૅન્ડ ડીલમાં પણ સંડોવાયેલો હતો અને જે વિશે કૉંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જાહેરમાં કહ્યું હતું કે તેના પરિવારને ઓળખતા હતા.
બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, શું `ક્લાયન્ટ્સને ભેટો' તરીકે દસોં તરફથી દર્શાવાયેલા 11 લાખ યુરોની ચૂકવણી હકીકતમાં રફાલ સોદા માટે વચેટિયાને ચૂકવાયેલું કમિશન હતું? શું હવે ભારતના સૌથી મોટા સંરક્ષણ સોદામાં જો કોઈ લાંચ અને કમિશન હકીકતમાં ચૂકવાયું હતું અને ભારત સરકારમાં કોને ચુકવાયું હતું તેની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ યોજવાની જરૂર નથી? એવો સુરજેવાલાએ પ્રશ્ન કરીને કહ્યું હતું કે શું વડા પ્રધાન રાષ્ટ્રને આનો જવાબ આપશે?

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer