દેશમુખના વહેલા રાજીનામાથી `ડેમેજ કન્ટ્રોલ'' કરી શકાયું હોત

દેશમુખના વહેલા રાજીનામાથી `ડેમેજ કન્ટ્રોલ'' કરી શકાયું હોત
આઘાડી સરકારમાંથી એક મહિનામાં બીજા પ્રધાનનું રાજીનામું
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના ગૃહપ્રધાનપદેથી આખરે અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. તેમના સ્થાને રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા દિલીપ વળસે-પાટીલની પસંદગી થઈ છે. રાષ્ટ્રવાદીએ દેશમુખનું રાજીનામું વિવાદ શરૂ થયો ત્યારે વહેલું માગી લીધું હોત તો `ડેમેજ કંટ્રોલ' બહેતર રીતે થઈ શકયો હોત. મહાવિકાસ આઘાડીની સરકારમાંથી માત્ર એક મહિનામાં બીજા પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી છે.
મુંબઈ વડી અદાલતે ટોચના પોલીસ અધિકારી પરમબીર સિંહની ફોજદારી જનહિતની અરજી નહીં પરંતુ ધારાશાત્રી જયશ્રી પાટીલની અરજીને આધારે સીબીઆઈને 15 દિવસમાં પ્રાથમિક તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ મહારાષ્ટ્ર સરકારના અંકુશ હેઠળ નહીં હોવાથી હવે આ પ્રકરણની પ્રાથમિક તપાસ નિર્ધારિત સમયગાળામાં પૂરી થઈ શકશે એવી આશા છે. જયશ્રી પાટીલ વતી તેમના પતિ અને ધારાશાત્રી ગુણરત્ને સદાવર્તેએ અરજી નોંધાવી હતી. પાટીલે આ પ્રકરણમાં અનિલ દેશમુખ અને પરમબીર સિંહ વિરુદ્ધ મલબારહિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરમબીર સિંહની અરજી સ્વીકારાઈ નથી પણ તેમની વિનંતી અન્યની અરજી દ્વારા સ્વીકારાઈ છે.
અનિલ દેશમુખને કારણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને મહાવિકાસ આઘાડી સરકારને આ મુદ્દે નાલેશી જેવી સ્થિતિ સહન કરવી પડી છે. ઠાકરે સરકારની શપથવિધિ ટાણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસએ અતિમહત્ત્વના ગૃહખાતાનો અખત્યાર અનિલ દેશમુખને સોંપ્યો ત્યારે જ રાજકીય વર્તુળોમાં તે નિર્ણય વિશે પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા. તેનું કારણ દેશમુખ ક્યારેય બાહોશ વહીવટકર્તા તરીકે જાણીતા નહોતા. જોકે ગૃહપ્રધાન તરીકે દેશમુખ કરતા દિલીપ વળસે-પાટીલ નિશ્ચિત બહેતર ગૃહપ્રધાન પુરવાર થશે એવો મત રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વર્તુળોમાં છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાંથી છેલ્લા એકમાસમાં બીજા પ્રધાનને રાજીનામું આપવું પડયું છે. ગત માર્ચ માસમાં વિધાનગૃહોના બજેટ સત્ર ટાણે પુણેની 22 વર્ષની યુવતી પૂજા ચવ્હાણની આત્મહત્યાના પ્રકરણને પગલે શિવસેનાના આગેવાન અને મહેસૂલ રાજ્યપ્રધાન સંજય રાઠોડને રાજીનામું આપવું પડયું હતું.
દેશમુખના રાજીનામાને પગલે ભાજપની છાવણીમાં ઉત્સાહનું મોજુ પ્રસર્યું છે. હવે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ચૂપકીદી સેવવાને બદલે વાઝે પ્રકરણ, મુકેશ અંબાણીના ઘરની બહાર સ્ફોટકો ગોઠવવા અને મનસુખ હિરેનની હત્યા વગેરે પ્રકરણો અંગે નિવેદન કરે એવી માગણી આજે કરી છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer