ઉદ્ધવ સરકારે નૈતિકતા ગુમાવી : રવિશંકર પ્રસાદ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 :મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખના રાજીનામાના તુરંત બાદ ભાજપે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે મુખ્ય પ્રધાને રાજ્યમાં શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે અને ભ્રષ્ટાચારના મુદ્દે તેમનું ભેદી મૌન આ મુદ્દે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે ઉદ્ધવની સરકારમાં ગૃહ પ્રધાનની વસૂલીનો ટાર્ગેટ 100 કરોડ હતો તો બીજા પ્રધાનોનો વસૂલીનો ટાર્ગેટ શું હશે એ એક ગૂઢ પ્રશ્ન છે. ભાજપને એવી અપેક્ષા છે સીબીઆઈની તપાસમાં ભ્રષ્ટાચારના તમામ પડ ખુલ્લા પડી જશે. આ શરમજનક ભ્રષ્ટાચારમાં પ્રધાનોની સાંઠગાંઠો પણ ખુલ્લી પડી જશે.
તેમણે કહ્યું હતું કે આ મહાવિકાસ આઘાડીની સરકાર નથી, પણ મહાવસૂલી સરકાર છે. અનિલ દેશમુખે નૈતિક જવાબદારીનું કારણ બતાવી રાજીનામું આપી દીધું છે. તો આવી નેતિક જવાબદારી શું ઉદ્ધવ ઠાકરે બતાવશે. ઉદ્ધવ ઠાકરે નૈતિક જવાબદારી બતાવશે કે કેમ એ ખબર નથી, પણ તેઓ સત્તા પર રહેવાના તમામ નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યા છે.
રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે લોકતંત્ર ઔચિત્યના ધારા-ધોરણ પર ચાલે છે. અમને લાગે છે કે આખો મામલો ગંભીર છે. ઉદ્ધવ ઠાકરે બે તરફથી બરાબર ભેરવાયાં છે. એક તરફ સચિન વાઝે છે તો બીજી તરફ તેમના પર વસૂલીના ગંભીર આરોપ છે. જો આ બધા પાસાંને જોડવામાં આવે તો એમાંથી કાવતરાંની બૂ આવે છે અને કાવતરામાં એક સામાન્ય કડી સચિન વાઝે છે. શરદ પવાર દેશના એક સિનિયર રાજકારણી છે. તેમણે અનિલ દેશમુખને ક્લીન ચીટ આપી એની શું અસર પડશે એની તેમને સમજ હોવી જોઈતી હતી.
Published on: Tue, 06 Apr 2021
મહારાષ્ટ્રના બીજા પ્રધાનોની વસૂલીનો ટાર્ગેટ કેટલો?
