ફડણવીસના હસ્તે ઘાટકોપરમાં કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન

ફડણવીસના હસ્તે ઘાટકોપરમાં કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન
મુંબઈ, તા. 5 : ઘાટકોપરમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં રોજેરોજ 300નો વધારો થઈ રહ્યો છે. દરદીઓને ઉપચાર માટે દોડાદોડ કરવી પડે છે. ઘાટકોપર-પૂર્વના સંસદસભ્ય પરાગ શાહે ઘાટકોપર-પૂર્વમાં તિલક રોડ પર સ્થિત પારસધામમાં ડૉક્ટર્સ અને નર્સની સુવિધા સાથેનું 80 બૅડનું કોવિડ કેર સેન્ટર શરૂ ર્ક્યું છે. જેમને માટે ઘરમાં કવોરેન્ટાઈન રહેવું શક્ય નથી અથવા સંભાળ રાખનારું કોઈ નથી એવા દર્દીઓને સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ ઘાટકોપરમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે પારસધામના બૅડ પણ અપૂરતા પડી રહ્યા હોવાથી એના ઉપાય તરીકે પાંચમી એપ્રિલે લાયન્સ કમ્યુનિટી હૉલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ)માં 35 બૅડના વધુ એક કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરાયું હતું.
સેન્ટરમાં 24 કલાક ડૉકટર્સ અને નર્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા ડૉક્ટરોની સલાહ મુજબ દર્દીઓને જમવાનું તેમ જ દવા આપવામાં આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે વિધાન પરિષદના વિરોધપક્ષના નેતા પ્રવીણ દરેકર, મુંબઈ ભાજપના અધ્યક્ષ વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા, પરાગ શાહ, જિલ્લાધ્યક્ષ અશોક રાય, ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા, ભાજપ મુંબઈ યુવા મોર્ચાના અધ્યક્ષ તાજીંદર તિવાના, ડૉ. હિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ અને પ્રવીણ દરેકરે પરાગ શાહના સદ્કાર્યની પ્રશંસા કરી તેઓ લોકસેવા માટે હંમેશા તત્પર હોવાનું કહ્યું હતું.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer