મુખ્ય પ્રધાન કેમ ચૂપ?

મુખ્ય પ્રધાન કેમ ચૂપ?
દેશમુખ પાસે રાજીનામા સિવાય વિકલ્પ નહોતો : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અનિલ દેશમુખ પાસે ગૃહપ્રધાનપદેથી રાજીનામા આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મહારાષ્ટ્રમાં આટલી ભયાનક ઘટનાઓ બની રહી છે અને પ્રધાનો ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. આમ છતાં મુખ્ય પ્રધાન ચૂપ છે તે બાબત અકળાવનારી છે તેઓ વાઝે શું ઓસામા બિન લાદેન છે? એવું બોલ્યા પછી ચૂપકીદી સેવી રહ્યા છે એમ ભાજપના આગેવાન અને વિરોધપક્ષના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
ગૃહપ્રધાનપદેથી અનિલ દેશમુખના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આટલી બધી ઘટના અને દેશમુખના રાજીનામા પછી મુખ્ય પ્રધાન શા માટે મૌન છે. આ સરકારમાં નૈતિકતા બચી છે કે કેમ? એવો પ્રશ્ન પૂછવો જોઈએ એમ ફડણવીસે ઉમેર્યું છે.
દેશની કોઈપણ તપાસ યંત્રણા ઈશ્વરનો અવતાર હોતી નથી : રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે હાઈ કોર્ટના આદેશનો અભ્યાસ કરવો પડશે. આ પ્રકરણ થોડુ રાજકીય છે. દેશની કોઈપણ તપાસ યંત્રણાએ `ઈશ્વરનો અવતાર' હોતી નથી. તે તપાસ પોતાની પદ્ધતિથી કરે છે. મમતા બેનરજીએ કેન્દ્રની તપાસ યંત્રણા અંગે કેટલીક ટીપ્પણ કરી છે. અન્યો પણ તે ટીપ્પણો કરે છે. આખરે આપણે અદાલતના કોઈપણ ચુકાદાનો આદર  કરવો પડે છે.
હવે કેટલાય ચહેરા ઉપરથી ઉતરશે નકાબ : કોટક
ભાજપના સાંસદ મનોજ કોટકે જણાવ્યું હતું કે અનિલ દેશમુખે ગૃહપ્રધાનપદેથી વડી અદાલતના આદેશ પછી રાજીનામું આપ્યું તેના બદલે તેમણે નૈતિકતાના આધારે વહેલું રાજીનામું આપવાની જરૂર હતી. હવે 100 કરોડ રૂપિયાની ખંડણી વસૂલીનું પ્રકરણ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે મોટરમાંથી સ્ફોટકો મળવા, મનસુખ હિરેનનું મૃત્યુ તેમ જ પોલીસ અધિકારીઓની બદલીમાં ભ્રષ્ટાચાર જેવા પ્રકરણો પાછળ કોનો દોરીસંચાર છે તેની વિગતો બહાર આવશે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer