હાઈ કોર્ટના આદેશના પગલે ગૃહપ્રધાનપદેથી દેશમુખનું રાજીનામું

હાઈ કોર્ટના આદેશના પગલે ગૃહપ્રધાનપદેથી દેશમુખનું રાજીનામું
અનિલ દેશમુખ વિરુદ્ધના આક્ષેપોની પ્રાથમિક તપાસ સીબીઆઈ 15 દિવસમાં પૂર્ણ કરે : હાઈ કોર્ટ
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ કરેલા આક્ષેપોની પ્રાથમિક તપાસ 15 દિવસમાં કરવાનો આદેશ વડી અદાલતે આપ્યો છે. વડી અદાલતના આદેશને પગલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અનિલ દેશમુખે ગૃહપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. દેશમુખે રાષ્ટ્રવાદીના વડા શરદ પવારને મળ્યા પછી હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ જી. એસ. કુલકર્ણીએ આજે જણાવ્યું હતું કે આ `અસાધારણ' અને `અભૂતપૂર્વ' કેસ છે. તેની સ્વતંત્ર તપાસ કરવામાં આવે એ જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારે આ પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. તેથી સીબીઆઈએ તત્કાળ એફઆઈઆર નોંધવાની જરૂર નથી. 
સીબીઆઈના નિર્દેશકને પ્રાથમિક તપાસ કરવાની પરવાનગી અપાઈ છે. સીબીઆઈએ 15 દિવસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરવાની રહેશે. બાદમાં ત્યાર પછી કેવા પગલાં ભરવા અથવા કાર્યવાહી કરવાનો નિર્ણય સીબીઆઈએ લેવાનો રહેશે, એમ ખંડપીઠે ઉમેર્યું હતું.
પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે કરેલા આક્ષેપોની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની વિનંતી કરતી અરજી અને જનહિતની કેટલીક અરજીઓ વિશે ચુકાદો આપતા ખંડપીઠે આ મુજબ જણાવ્યું હતું. પરમબીર સિંહ, શિક્ષક મોહન ભિડે તેમ જ ધારાશાસ્ત્રીઓ જયશ્રી પાટીલ અને ઘનશ્યામ ઉપાધ્યાયે આ અરજીઓ નોંધાવી હતી. આજના આદેશ સાથે ખંડપીઠે આ અરજીઓનો નિકાલ કર્યો છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે અદાલત સમક્ષ આ અભૂતપૂર્વ કેસ છે. ગૃહપ્રધાન તરીકે દેશમુખ પોલીસ ખાતાનું નેતૃત્વ કરે છે. આ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આમ છતાં સીબીઆઈએ તત્કાળ એફઆઈઆર નોંધવાની જરૂર નથી, એમ ખંડપીઠે જણાવ્યું હતું.
પરમબીર સિંહના ધારાશાસ્ત્રી વિક્રમ નાનકાનીએ દલીલ કરતા જણાવ્યું હતું કે આખા પોલીસતંત્રનું ખમીર તૂટી ગયું છે અને તે રાજકારણીઓના દબાણ હેઠળ કામ કરે છે તે અંગે વડી અદાલતે પૂછવા માગ્યું હતું કે તે સમયે પરમબીર સિંહે શા માટે દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધી નહોતી? પરમબીરે શા માટે કઈ કર્યું નહોતું.
અન્ય એક અરજદાર જયશ્રી પાટીલે જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ અને દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
મહારાષ્ટ્ર સરકાર વતીથી ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ વડી અદાલતને આ અરજી કાઢી નાખવાની વિનંતી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર સ્ફોટકો ભરેલી મોટરકાર ઊભી રાખવા અને મનસુખ હિરેનની હત્યાના પ્રકરણ અંગે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડી સરકાર ઉપર માછલા ધોયા પછી મુંબઈના પોલીસ આયુક્ત પરમબીર સિંહની બદલી હોમગાર્ડના કમાન્ડર તરીકે કરાઈ હતી. બાદમાં ગૃહપ્રધાન દેશમુખે એક કાર્યક્રમમાં પરમબીર સિંહની બદલી તેમણે તેમના સાથી અધિકારીઓએ કરેલી ભૂલને કારણે કરાઈ હોવાનું વિધાન કર્યું હતું. 
તેના બીજા દિવસે પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઠાકરેને પત્ર લખીને દેશમુખે એપીઆઈ વાઝેને મુંબઈની 1750 બાર-રેસ્ટોરંટ પાસેથી 100 કરોડ રૂપિયા મહિને વસૂલ કરવાની સૂચના આપી હતી.
વડી અદાલતના આદેશ પછી દેશમુખે શરદ પવારની મુલાકાત લીધી હતી. દેશમુખે પવારને જણાવ્યું હતું કે વડી અદાલતે તેમના વિરુદ્ધના આક્ષેપોની પ્રાથમિક તપાસ કરવાનો સીબીઆઈને આદેશ આપ્યો હોવાથી નૈતિકધોરણે તેઓ માટે ગૃહપ્રધાનપદે ચાલુ રહેવું યોગ્ય નથી.
મહારાષ્ટ્રના લઘુમતી વિકાસ ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા નવાબ મલિકે ગૃહપ્રધાનપદેથી દેશમુખે રાજીનામું આપ્યું હોવાની માહિતી પત્રકારોને આપી હતી.
દરમિયાન, હાઈ કોર્ટના આદેશને અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી સંભાવના છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer