શૅરબજારમાં નીચલા સ્તરેથી સુધારો

અૉટો, મેટલ, ફાર્મા શૅર્સમાં તેજી 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 6 : સકારાત્મક વૈશ્વિક પરિબળોના પગલે ભારતીય શૅરબજારોમાં આજે નીચલા સ્તરેથી સાવધ ખરીદી નીકળી હતી. અમેરિકા, યુરોપ અને એશિયન શૅરબજારોમાં ખરીદીનો માહોલ જોયા બાદ અહીં શરૂ થયેલા ટ્રાડિંગમાં નીચલા સ્તરેથી પસંદગીના શૅર્સમાં  ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 232 પૉઇન્ટ્સ વધી 49,392 પૉઇન્ટ્સના સ્તરે અને નિફટી 83 પૉઇન્ટ્સ વધી 14,721 પૉઇન્ટ્સના સ્તરે ટ્રેડમાં હતા.  
સિંગાપોર નિફટી 0.30 ટકાના વધારે ટ્રેડમાં હતો. યુએસ નાસ્દાક 1.67 ટકા વધીને બંધ થયો હતો, જ્યારે યુરોપના શૅરબજારો પણ તેજી સાથે બંધ આવ્યા હતા. એશિયન શૅરબજારોમાં જપાનનો નિક્કી 1.10 ટકા ઘટ્યો હતો, જ્યારે અન્ય બજારોમાં ખરીદી હતી.  
સ્થાનિકમાં બૅન્ક નિફટી 0.35 ટકા, આઇટી નિફટી 0.70 ટકા, જ્યારે અૉટો અને પીએસઈ નિફટી ઇન્ડેક્સ બન્ને 0.92 ટકાના વધારે ટ્રેડમાં હતા. બીએસઇ સ્મોલ કૅપ 0.86 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 0.73 ટકા વધ્યા હતા, જ્યારે મેટલ ઇન્ડેક્સ 1.32 ટકા અને હેલ્થકૅર ઇન્ડેક્સ 1.20 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા.  
નિફટીમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, તાતા મોટર્સ, સિપ્લા અને એમઍન્ડએમનો સમાવેશ થતો હતો, જ્યારે ઘટેલા શૅર્સમાં ટાઈટન કંપની, બ્રિટાનિયા, ગ્રાસીમ, આઇટીસી અને એચસીએલ ટૅક મુખ્ય હતા. 
નિફટીમાં સૌથી વધુ સક્રિય શૅર્સમાં તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો.
Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer