વીકઍન્ડ લૉકડાઉન અસરકારક નહીં નીવડે? કેન્દ્રની મહારાષ્ટ્રને સલાહ

વીકઍન્ડ લૉકડાઉન અસરકારક નહીં નીવડે? કેન્દ્રની મહારાષ્ટ્રને સલાહ
નવી દિલ્હી, તા. 6 : રવિવારે મહારાષ્ટ્રમાં વીકઍન્ડમાં પૂર્ણ લૉકડાઉન અમલમાં મુકાયો છે, તો બાકીના દિવસો માટે નવા પ્રતિબંધો અમલમાં મૂક્યા છે, પરંતુ બે દિવસ પહેલા શુક્રવારે કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ આવા કોઈ પ્લાન અંગે ચુપકિદી સેવવામાં આવી હતી.
સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રએ બે અઠવાડિયા પહેલા જ મહારાષ્ટ્રને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટ્રાન્સમિશનની ચેઇન તોડવા માટે વીકઍન્ડ લૉકડાઉન ખાસ અસરકારક નહીં નીવડે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીને કેબિનેટ સેક્રેટરીની મીટિંગ દરમિયાન સૌથી વધુ સમય મળ્યો હતો. આમ છતાં કોઇએ વીકઍન્ડ લૉકડાઉન અંગે ચર્ચા કરી નહોતી, એમ આ મીટિંગમાં ઉપસ્થિત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
હકીકતમાં 15 માર્ચે મહારાષ્ટ્રમાં જ્યારે 16 હજાર કરતાં વધુ કેસ નોંધાયા, જે દેશના કુલ કેસના 63.21 ટકા જેટલા થવા જાય છે, ત્યારે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યએ આંશિક લૉકડાઉનને બદલે પ્રભાવશાળી નિયંત્રણની રણનીતિ પર ધ્યાન આપવું જોઇએ.
દરમિયાન નાઇટ કર્ફ્યુ, વીકઍન્ડ લૉકડાઉનની અસર ઘણી મર્યાદિત હોય છે. એટલે જિલ્લા પ્રશાસને કડક અને પ્રભાવશાળી રણનીતિ અપનાવવી જોઇએ. ભારતમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ 1,03,558 નોંધાયા છે. આઠ રાજ્યો જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં રોજના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં નોંધાઈ રહેલા કેસમાંથી 81.90 ટકા કેસ આ આઠ રાજ્યોમાં નોંધાય છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
ગુરુવાર, 8 એપ્રિલે વડા પ્રધાન કોવિડ-19ની પરિસ્થિતિના આકલન માટે આઠ રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે. કેન્દ્રએ તૈયાર કરેલી 50 હાઇ-લેવલ મલ્ટી-ડિસિપ્લિનરી પબ્લિક હેલ્થ ટીમને મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબના સૌથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેશે.
મહારાષ્ટ્રમાં રોજ સૌથી વધુ કેસ નોંધાય છે. સોમવારે દેશના નોંધાયેલા કુલ કેસમાંથી 55.11 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. 
મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, કોવિડ-19 અંગેના સાવચેતીના પગલાંનું લોકો પાલન કરતા ન હોવાને કારણે જાહેર આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા તારણોના આધારે લૉકડાઉન અમલમાં મૂકવાની ફરજ પડી છે.સૌથી મોટો મુદ્દો એ છે કે લોકો કોવિડ-19ને હળવાશથી લઈ રહ્યા હોવાથી કેસમાં જબ્બર વધારો થઈ રહ્યો છે.
શુક્રવારે યોજાયેલી મીટિંગમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે લૉકડાઉનનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા સમય મેળવવાનો હતો, નહીં કે ટ્રાન્સમિશનની ચેઇન તોડવાનો. લૉકડાઉન કોઇ તકલીફનો નીવેડો લાવતું નથી. પ્રાથમિક તબક્કામાં લૉકડાઉન અમલમાં મૂકવાનું કારણ એટલું જે સમય મળે એમાં મૂળભૂત સુવિધાઓ ઊભી કરી શકાય. આપણી પાસે પૂરતા પ્રમાણમાં પીપીઈ કિટ નહોતી. અૉક્સિજન બેડની પણ અછત હતી. લૉકડાઉન દરમિયાન આ બધી અછતો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
30 માર્ચે કેન્દ્રએ મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં સર્વિલન્સ ટીમ દ્વારા ફરી ટ્રેનિંગ આપવામાં આવશે. એ સાથે રાજ્યોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં અને બહારના વિસ્તારમાં નોંધાતા કેસની સમીક્ષા કરવા જણાવ્યું છે.
Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer