આઈટીઆર માટેની વ્યવસ્થામાં સરકારે ફેરફાર કર્યો

હવે એક્સેલ /જાવાને બદલે જેએસઓએનનો વપરાશ ફરજિયાત 
નવી દિલ્હી, તા. 6 : 2021-22ના એસેસમેન્ટ વર્ષ માટે આવક વેરો ભરવાની વ્યવસ્થામાં સરકારે ફેરફાર કર્યો છે. આઈટીઆરમાં અત્યાર સુધી એક્સેલ અને જાવા ક્રિપટ વપરાતી હતી તેને સ્થાને હવે જેએસઓએન (જાવા ક્રીપટ ઓબ્જેક્ટ નોટેશન) નામે ઓળખાતી ક્રીપટ વાપરવાની રહેશે એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ  ટેક્સીસે (સીબીડીટીએ) જાહેર કર્યું છે. આ યુટિલિટીને કેવી રીતે વાપરવી એ અંગે તેણે વિગતવાર માર્ગદર્શિકા પણ જારી કરી છે. 
નવી ટેક્નોલોજી પર આધારિત આ યુટીલીટી આઈટીઆર 1 અને આઈટીઆર 4 માટે કામે લેવાની છે. આગળ જતા તેનો વિસ્તાર કરવામાં આવશે એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું. આ યુટિલિટીને કેવી રીતે ઇન્સ્ટોલ કરવી, તેમાં કઈ રીતે કામ કરવું વગેરે ઝીણવટથી સમજાવવા માટે ગાઈડ પણ આપવામાં આવી છે એમ તેણે ઉમેર્યું હતું. કર ભરનારાએ ઈન્ક્મ ટેક્સના પોર્ટલમાંથી પોતાનું પહેલેથી ભરેલું ફોર્મ કાઢીને નવી   યુટિલિટીમાં ઈમ્પોર્ટ કરવાનું રહેશે. એ કર્યા બાદ તેમાં બાકીની માહિતી ભરીને સબમિટ કરવાનું છે. 
સીબીડીટીએ ફરમાન કાઢ્યું છે કે નવું ફોર્મ વાપરવાનું ફરજીયાત છે અને તેમાં કોઈ અપવાદ આપવામાં નહિ આવે. આઈટીઆર 1અને 4 માટે આ યુટીલીટી ઉપલબ્ધ છે અને બાકીના આઈટીઆર માટે એ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાશે. 
હવે પછી જે જારી કરવામાં આવશે તેમાં સવાલો પર આધારિત ફંક્શનાલીટી હશે જેમાં કર ભરનારાઓને ખ્યાલ આવી જશે કે તેમણે કયું આઈટીઆર વાપરવાનું છે. 
આ યુટીલીટી દ્વારા જ લોક કર ભરી શકશે, તેની ચકાસણી કરી શકશે અને આઈટીઆર અપલોડ કરી શકશે. 
આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સીબીડીટી સતત પ્રયત્નશીલ છે અને કર ભરનારાઓને સહેલું પડે એવી પ્રક્રિયા બનાવી રહ્યું છે. સીબીડીટીએ સવાલ જવાબ (ફ્રીક્વન્ટલી આસ્ક્ડ કવેશન્સ--એફએક્યુ) , માર્ગ દર્શિકા,  સર્ક્યુલર્સ, કાનૂની જોગવાઈઓ વગેરેની માહિતી આ યુટિલિટીમાં આપી છે જેને કારણે રિટર્ન ભરવામાં કોઈ તકલીફ ન થાય.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer