વૈશ્વિક સોનું એક સપ્તાહની ઉંચાઇએ

વૈશ્વિક સોનું એક સપ્તાહની ઉંચાઇએ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 6 : વૈશ્વિક સોનાનો ભાવ 1735 ડોલરની એક અઠવાડિયાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. બોન્ડ યીલ્ડમાં નરમાઇ હતી અને ડોલર પણ નબળો પડતા સોનામાં ખરીદી નીકળી હતી. છેલ્લે 25 માર્ચે સોનાનો ભાવ 1737 ડોલરના સ્તરે પહોંચ્યો હતો. ડોલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં બે અઠવાડિયાની નીચલી સપાટીએ પહોંચ્યું હતુ. 
અમેરિકી બોન્ડના યીલ્ડ પણ 14 મહિનાની ટોચ પરથી નરમ પડીને નીચે આવ્યા હતા. પરિણામે સોનાની ખરીદીમાં વધારો થયો હતો. અમેરિકામાં આર્થિક આંકડાઓ અપેક્ષા કરતા સારાં આવ્યા છે. જોકે રિકવરી કેટલી ઝડપથી થાય છે તે મહત્વનું છે. રિકવરી ઝડપથી આવે તો સોનાની માગમાં ઘટાડો થશે. કારણકે એવા કિસ્સામાં ડોલરના મૂલ્યમાં સુધારો થશે. ચાર્ટીસ્ટો કહે છે, સોનામાં ડબલ બોટમની સ્થિતિ રચાઇ છે. એ રીતે 1750 વટાવે તે નવી તેજી માટે આવશ્યક છે. આ સ્તર વટાવીને ત્રણ દિવસ બંધ રહે તો સોનામાં મંદીની શક્યતા ઘટી જશે. સોનામાં આગામી આઠ દિવસની રેન્જ 1670-1750 ડોલરની રહેશે. 
ક્લિવલેન્ડ ફેડરલ રિઝર્વ બેન્કના પ્રમુખ લોરેટા મેસ્ટરે કહ્યું હતુ કે, આર્થિક રિકવરી સારી છે છતાં હજુ ફેડ સરળ નાણાનીતિને વળગી રહેશે. એમ કરવાને લીધે વિકાસ વધુ વેગથી આગળ ધપશે.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ. 190ના સુધારામાં રુ. 47030 અને મુંબઇમાં રુ. 151 વધીને રુ. 45410 રહ્યો હતો. ચાંદી ન્યૂયોર્કમાં 24.93 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલો ચાંદી રુ. 400 ઉંચકાતા રુ. 66400 અને મુંબઇમાં રુ. 460 વધીને રુ. 65422 રહી હતી.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer