એફએમસીજી કંપનીઓની કપરી સ્થિતિ : લૉકડાઉનનો સામનો કરવા મૅનેજમેન્ટ ખડે પગે

એફએમસીજી કંપનીઓની કપરી સ્થિતિ : લૉકડાઉનનો સામનો કરવા મૅનેજમેન્ટ ખડે પગે
મુંબઈ, તા. 6 : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી અનેક રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂ અને આશિક લોકડાઉન લાદવામાં આવ્યા છે ત્યારે બદલાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા  એફએમસીજી કંપનીઓએ તેમના મેનેજમેન્ટને ખડે પગે તૈયાર રાખ્યું  છે.  
બિસલેરી ઈન્ટરનેશનલના ચીફ એક્ઝીક્યુટિવ એન્જેલો જોર્જે કહ્યું કે, અમે અમારી સપ્લાય ટીમને હાઈ  એલર્ટ ઉપર રાખી છે જેથી કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સપ્લાઈ ખોરવાય નહીં. જોર્જે કહ્યું કે, અત્યાવશ્યક વસ્તુઓમાં સમાવેશ થતી આઈટમો બાબતે  મહારાષ્ટ્ર સરકાર દ્વારા વધુ સ્પષ્ટતાની જરૂર છે.  રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને સપ્તાહના અંતે પૂરું લૉકડાઉન  જાહેર થતા કંપનીઓને સ્પષ્ટતા જોઈએ છે કે કઈ આઈટમને અત્યાવશ્યકમાં ગણવામાં આવશે.  
પુરવઠા શૃંખલા ખોરવાય નહીં તે માટે એફએમસીજી કંપનીઓ તેમના મુખ્ય કાચા માલનો પણ સ્ટોક વધારી રહી છે, જેથી આગળ જતા પરિસ્થિતિ બગડે તો પણ ઉત્પાદન અવિરત ચાલતુ રહે. પાર્લે પ્રોડકટ્સના હેડ મયંક શાહે કહ્યું કે, નવા નિયંત્રણોને લીધે અમે પ્લાન્ટમાં દર  આઠથી દસ દિવસે સ્ટોક ગણતરી કરતા હતા, પરંતુ હવે પાંચ દિવસમાં સ્ટોક ગણીએ છીએ. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભારત અને સાર્કના સીઈઓ સુનિલ કટારીયાએ કહ્યું કે, અમે સ્ટોક વધારી રહ્યા છે અને ઉત્પાદન એકમમાં વધુમાં વધુ ઉત્પાદન થાય તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ જેથી અચાનક કોઈ વિધ્ન આવે તો તેને પહોંચી શકાય.  
ડાબરના ચીફ એક્ઝીક્યુટિવ મોહિત મલ્હોત્રાએ કહ્યું કે, ગયા વર્ષની પરિસ્થિતિથી કંપનીઓએ સપ્લાયનો બોધપાઠ લીધો છે. પરિણામે વર્તમાન પરિસ્થિતિમાં કંપની ઉત્પાદન અને સપ્લાય બાબતે ગયા વર્ષની જેમ સંચાલન કરશે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં એફએમસીજી ક્ષેત્રની વૃદ્ધિ છ ટકા થઈ હતી. એનાલિસ્ટસનું કહેવું છે કે, લોકડાઉન અને સોશ્યિલ ડિસ્ટન્સિગ નિયમોથી સોફ્ટ ડ્રીન્ક્સ, હેર કલર, ડિટરજન્ટ અને ડિયોડરન્ટના વેચાણ ઉપર અસર પડશે કારણ કે સામાન્ય રીતે આ પ્રોડકટ્સની ખરીદી લોકો ઓનલાઈન નહીં પણ દુકાન/મોલમાં જઈને કરતા હોય છે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer