ભારતે સાઉદી તેલની ખરીદીમાં વધુ કાપ મૂક્યો

ભારતે સાઉદી તેલની ખરીદીમાં વધુ કાપ મૂક્યો
નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ) : ભારત સાઉદી અરેબિયા પાસેથી તેલની ખરીદી ઉત્તરોત્તર ઘટાડી રહ્યું છે. મે મહિનામાં સરકારી માલિકીથી રિફાઈનરીઓ સાઉદી અરેબિયા પાસેથી સામાન્ય કરતાં 36 ટકા ઓછું તેલ આયાત કરશે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું છે.
તેલના ભાવમાં ઉછાળો આવતાં વિશ્વમાં તેલના સૌથી મોટા નિકાસકાર દેશ અને ત્રીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. ભારતે તેલના ભાવવધારા માટે સાઉદી અરેબિયા તથા અન્ય દેશો દ્વારા ઉત્પાદનમાં કરાયેલાં ઘટાડાને જવાબદાર ઠરાવ્યો છે.
ઇન્ડિયન અૉઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા મૅંગલોર રિફાઈનરી આ ત્રણ રિફાઈનરીઓ સામાન્ય રીતે સાઉદી અરેબિયા પાસેથી દર મહિને 148 લાખ બેરલ તેલની આયાત કરતી હોય છે.
મે મહિનામાં આ રિફાઈનરીઓ સાઉદી અરેબિયાથી 95 લાખ બેરલ તેલ આયાત કરશે. અગાઉ તેઓ 108 લાખ બેરલ આયાત કરવાનું વિચારતી હતી.
ભારતના તેલપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સાઉદી અરેબિયાના તેલપ્રધાન પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાન સાથે શનિવારે ટૅલિફોન પર કરેલી વાતચીતના પગલે સોમવારે રિફાઈનરીઓએ આયાત ઘટાડવાનો નિર્ણય લીધો હતો. બંને પ્રધાનો વચ્ચે શું વાત થઈ તે જાણવા મળ્યું નથી. 
અમેરિકાએ સાઉદી અરેબિયાને કરેલા અનુરોધના પગલે ઓપેક અને તેના સાથી દેશોએ ગયા ગુરુવારે મે મહિનાથી તેલનું ઉત્પાદન ક્રમશ: વધારવાનો નિર્ણય લીધો હતો.
રવિવારે સાઉદી અરેબિયાની તેલ કંપની આરામ્કોએ યુરોપ અને અમેરિકા માટે તેલના ભાવ ઘટાડવાની અને ભારત સહિતના એશિયાઈ દેશો માટે તેલના ભાવ વધારવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાતથી અમને આશ્ચર્ય થયું હતું, એમ તેલ મંત્રાલયના એક સૂત્રે જણાવ્યું હતું.
સાઉદી અરેબિયાના તેલપ્રધાને ગયે મહિને ભારતને તેના સંગ્રહમાંથી 2020મા નીચા ભાવે ખરીદેલું તેલ વાપરવાની સલાહ આપી તે પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડયા હતા. ધર્મેન્દ્ર પ્રધાને અબ્દુલઅઝીઝના નિવેદન `િબનરાજદ્વારી' ગણાવ્યું હતું.
સાઉદી તેલ પરનું અવલંબન ઘટાડવાના ઉદ્દેશથી ભારતીય રિફાઈનરીઓએ બ્રાઝિલ, ગયાના અને નોર્વેનું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer