નવી દિલ્હી, તા.6: કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણવાર આઇપીએલમાં ચેમ્પિયન બની છે. તા. નવ એપ્રિલથી શરૂ થઇ રહેલ આઇપીએલની 14મી સિઝનને અંતિમ રૂપ આપવા તમામ ટીમ રણનીતિ ઘડી રહી છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં રેકોર્ડ બને છે અને તૂટે છે. ધોનીની વાત કરીએ તો આઇપીએલની આગામી સિઝનમાં તે એકથી વધુ કીર્તિમાન તેના નામે કરી શકે છે.
વિકેટકીપર તરીકે ધોની અત્યાર સુધીમાં 204 મેચમાં 148 શિકાર (109 કેચ અને 39 સ્ટમ્પીંગ) કરી ચૂકયો છે. હવે તે બે વધુ શિકાર કરવા સાથે આઇપીએલમાં 1પ0 શિકાર પૂરા કરનારો પહેલો વિકેટકીપર બની જશે. આ સૂચિમાં બીજા સ્થાને કોલકતા નાઇટ રાઇડર્સનો દિનેશ કાર્તિક છે. તેણે 196 મેચમાં 140 શિકાર (110 કેચ, 30 સ્ટમ્પીંગ) કર્યાં છે.
39 વર્ષીય ધોની ટી-20 ક્રિકેટમાં 7000 રનથી 179 રન દૂર છે. આ ઉપરાંત સીએસકે તરફથી રમતા આઇપીએલમાં 200 સિક્સથી તે 14 સિકસ દૂર છે. તેના નામે આઇપીએલમાં કુલ 209 છકકા છે. તે બે સિઝન પૂણે સુપરજાયન્ટસ તરફથી રમ્યો હતો. આઇપીએલમાં 100થી વધુ મેચ જીતનાર ધોની એકમાત્ર કપ્તાન છે.
Published on: Wed, 07 Apr 2021
ધોની પાસેથી એકથી વધુ વિક્રમ રચવાની તક
