ગુરુ ધોની વિરુદ્ધ કૅપ્ટનશિપની ઇનિંગ શરૂ કરવા પંત આતુર

ગુરુ ધોની વિરુદ્ધ કૅપ્ટનશિપની ઇનિંગ શરૂ કરવા પંત આતુર
માહીભાઇ પાસેથી જે શીખ્યો છું તેનો ઉપયોગ તેમને હરાવવામાં કરીશ: પંત
મુંબઇ, તા.6: યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત તેના ગુરૂ મહેન્દ્રસિંહ ધોની વિરૂધ્ધ કેપ્ટનની ઇનિંગ શરૂ કરવા ઉત્સાહિત છે. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરૂધ્ધ 10મીએ રમાવાનો છે. પંતનું કહેવું છે કે તેને ગુરૂ ધોની પાસેથી જે પણ કાંઇ શિખવા મળ્યું છે તેનો ઉપયોગ તેમને જ હરાવવામાં કરશે. શનિવારે જ્યારે બન્ને આમને-સામને હશે. ત્યારે યુવા અને અનુભવની ટક્કર થશે. આ મેચથી ઋષભ પંત પહેલીવાર દિલ્હી કેપિટલ્સ ટીમનું સુકાનીપદ સંભાળશે.
ઋષભ પંતે આજે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કપ્તાનના રૂપમાં મારો પહેલો મેચ માહીભાઇ (ધોની) વિરૂધ્ધ હશે. આ મારા માટે સારો અનુભવ બની રહેશે. કારણ કે મેં તેમની પાસેથી ઘણું શિખ્યું છે. એક ખેલાડી તરીકે મારા ખુદના પણ કેટલાક અનુભવ છે. હું મારા અનુભવ અને ધોની પાસેથી મળેલ શિખનો ઉપયોગ કરીશ અને સીએસકે વિરૂધ્ધ કાંઇક અલગ કરવાનો પ્રયાસ કરીશ. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પોતાની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન ઉતાર-ચઢાવનો સામનો કરનાર પંત હાલ શાનદાર ફોર્મમાં છે. ઘણીવાર તેની તુલના ધોની સાથે થાય છે. 
જો કે આ યુવા વિકેટકીપર કહી ચૂકયો છે કે તેનું લક્ષ્ય બીજા ધોની બનાવનું નથી. જો કે તે ધોની પાસેથી સલાહ લે છે.
પંતે 68 આઇપીએલ મેચમાં 2079 રન કર્યાં છે. તેનું લક્ષ્ય આ વખતે દિલ્હીને પહેલીવાર ચેમ્પિયન બનાવવાનું છે. ટીમના મુખ્ય કોચ પોન્ટિંગ વિશે તેણે કહ્યંy કે પાછલા બે-ત્રણ વર્ષમાં તેમણે આમારા માટે શાનદાર કામ કર્યું છે. તેઓએ ટીમમાં ઉર્ઝા ભરી છે. તેમની પાસેથી ઘણું શિખવાનું મળે છે. આશા છે કે પોન્ટિંગ અને પૂરી ટીમની મદદથી આ વખતે ખિતાબ જીતવામાં સફળ રહેશું.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer