મુંબઈ, તા. 6 : કોરોનાનો પહેલો રાઉન્ડ પૂરો થયો. બીજો રાઉન્ડ શરૂ થતાં મહારાષ્ટ્રને ભારે લપેટમાં લઈ લીધું છે. સરકારે મિનિ લૉકડાઉન જાહેર કરતાં વેપાર ઉપર ભારે અસર પડી છે. સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે ગાઇડલાઇનની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્ય ભારતનું આર્થિક રાજ્ય કહેવાય છે. સૌથી વધારે વેપાર તથા આયાત-નિકાસ મુંબઈમાંથી થાય છે. હીરાના વેપારનું હબ ભારત ડાયમંડ બુર્સ છે. રોજના 35થી 40 હજાર માણસોની અવરજવર થાય છે. આ બુર્સ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવતાં આયાત નિકાસ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. બીડીબીની અૉફિસો બંધ થવાથી કારખાનાને પૂરો પાડવામાં આવતો રફનો પુરવઠો તથા જ્વેલરી ફેક્ટરીને પૂરા પાડવામાં આવતા હીરાઓ બંધ થતાં હજારો રત્નકલાકારો તથા જ્વેલરીના કારીગરો બેકાર થઈ ગયા છે. મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના ત્રણ ડાયમંડ હૉલ ધનજીસ્ટ્રીટ, પંચરત્ન તથા ભારત ડાયમંડ બુર્સમાં આવેલા છે. 14,000 સભ્યો છે. આ સંસ્થામાં નાના ટ્રેડર્સ, દલાલ તથા ઍસોટર્સો છે. જેઓ રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના માટે લૉકડાઉન મુશ્કેલી ઊભી કરશે. મુંબઈ ડાયમંડ કટર્સના પ્રમુખ હેમેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે દિવાળી પછી કારખાનાં શરૂ થયાં હતાં. રત્નકલાકારો પૂરતા આવ્યા નથી અને ફરીથી લૉકડાઉન થવાથી હીરા ઉદ્યોગ ઉપર ઘેરી અસર પડશે. જ્વેલ મેકર વેલ્ફરના પ્રમુખ સંજયભાઈ શાહે જણાવ્યું હતું કે જ્વેલરી બનાવતા બંગાળી કારીગરો દેશમાંથી પૂરતા આવ્યા નથી. ફરીથી ઉદ્યોગ બંધ થવાથી જ્વેલરીના વેપારને ભારે અસર પડશે. મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ ઍસો.ના કારોબારી સભ્ય જયંતિલાલ શાહે જણાવ્યું હતું કે ફક્ત મુંબઈમાં જ એક લાખથી વધારે નાના ટ્રેડર્સો, દલાલો, રત્નકલાકારો તથા જ્વેલરી કારીગરો સંકળાયેલા છે. હીરાનો વેપાર બંધ થવાથી આ લોકોને રોજીરોજીનો સવાલ ઊભો થશે. છેલ્લા એક વર્ષથી કમાણી નથી તેમાં ફરીથી વેપાર બંધ થતાં `દુષ્કાળમાં અધિકમાસ' જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર જલદીમાં જલદી વૅક્સિન આપે તથા કોરોનાને માત કરવા જલ્દીથી ઉપાયો કરે જેનાથી સામાન્યવર્ગ મુશ્કેલીમાંથી બહાર આવે.
Published on: Wed, 07 Apr 2021