લૉકડાઉનના કડક નિયમોથી અર્થતંત્રની ગાડી ખડી પડશે

મુંબઈ, તા. 6 : મુંબઈ-મહારાષ્ટ્રમાં કોરોનાનો વ્યાપ રોકવા લાગુ કરાયેલ બજારો-દુકાનો બંધ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ વ્યાપક બન્યો છે. અગાઉના વર્ષ 2020ની આર્થિક અસરોને લીધે નવા બ્રેક ધ ચેઇન લૉકડાઉનના નિયમોને લીધે વેપારીઓ સાથે નાના વેતનના લાખો કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બનશે એમ વાણિજ્યિક અગ્રણીઓ માને છે. જેથી મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણ પણે બજાર બંધ રાખવાના નિર્ણયમાં બદલાવ કરવાની તાતી આવશ્યકતા છે એમ વેપારી અગ્રણીઓ માને છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, જેનો વેપાર ઠપ થવાથી અર્થવ્યવસ્થાને નુકસાન થશે.
બૉમ્બે મેટલ એક્સ્ચેન્જના પ્રમુખ રીકબ મહેતાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર પાઠવી વિનંતી કરી છે કે સરકારે ઓડ ઇવનની રીતે બજારો ખુલ્લા રાખવા સાથે અૉફિસો 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રાખવી જરૂરી છે. હોટલો ઉદ્યોજકો-ફેરિયા - ટૅક્સી- રિક્ષા- પરિવહન શરૂ રાખવા સાથે બજારો ખૂલવાં પણ જરૂરી છે તેમણે ઉમેર્યું કે અમે સરકારને સંપૂર્ણ સહકાર માટે તૈયાર છે. પરંતુ અત્યારના નિયમથી કોરોનાની ચેઇન બ્રેક થશે કે નહીં તે કહી શકાય તેમ નથી, પરંતુ ઇકોનોમી જરૂર બ્રેક થશે.
સ્ટીલ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ સંપત તોતલાએ જણાવ્યું હતું કે બજારો બંધ રાખવાથી તદ્દન ઓછી આવક ધરાવનાર વર્ગોની સ્થિતિ કફોડી બનશે. અગાઉ અનેક સંસ્થાઓ અને દાનવીરોએ ગરીબોને સાચવી લીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ કેટલું કરી શકશે તે પ્રશ્ન છે.
બીમાના ભૂતપૂર્વ પ્રમુખ કમલ પોદ્દારે જણાવ્યું હતું કે બાંધકામ શરૂ રાખવાનો નિર્ણય નિષ્ફળ જશે કેમ કે લૉકડાઉનના ભયથી બિહાર-ઉત્તર પ્રદેશ- બંગાળના કામદારોની હિજરત શરૂ થઈ ગઈ છે. જેથી સરકારે બજારોને રાહત આપવાની જરૂર છે.
બીએમઈના ભૂતપૂર્વ પ્રમુખ અશોક બાફનાએ જણાવ્યું હતું કે બજારોનો સમય ઘટાડીને અને દુકાનો નજીક વધુ ભીડભાડ નિયંત્રણ માટે વેપારીઓને પેનલ્ટી સહિતની જવાબદારીમાં આમેજ કરવા સાથે બજારો શરૂ રાખવાં જરૂરી છે. જ્યારે અૉફિસો 50 ટકા સાથે કાર્યરત કરવી જોઈએ. જેથી નાના વેતનના કર્મચારીઓનું કામ ચાલે.
અૉલ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના પ્રમુખ શૈલેષ શાહે જણાવ્યું છે કે `એમએલએમઈ માટે દર 15 દિવસે કામદારોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો નિયમ અવ્યવહારુ છે. જેનો ખર્ચ ઉદ્યોગ ઉપાડી શકે તેમ નથી. ઉપરાંત ફેક્ટરીમાં તત્કાલ પૂર્જાની જરૂર ઊભી થાય અને બજાર બંધ રહેવાથી પૂરી નહીં થાય. જેથી યુનિટની ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત થશે. જેથી સરકારે બજારો સંપૂર્ણ બંધ કરવા જોઈએ નહીં.
અૉલ ઇન્ડિયા હાર્ડવેર ઍસોસિયેશનના માનદ ખજાનચી ગોવિંદ અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના રોકવો જરૂરી છે પરંતુ બજારોને ત્રણ દિવસ શરૂ રાખીને ઉદ્યોગ-બાંધકામ અને લોકોને માટે જરૂરી ચીજોનું વેચાણ ચાલુ રાખવું જોઈએ. ચોક્કસ ભીડ નિયંત્રણ સાથે માસ્ક પહેરીને લોકોને પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જ જોઈએ.
મેટલ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ રોહિતભાઈ શાહે જણાવ્યું કે વેપારી-ઉદ્યોજકોમાં સખત નારાજી પ્રવર્તી રહી છે. સરકારના વેરા, બૅન્કોનાં ધિરાણ, જીએસટી જેવી જવાબદારીઓ લૉકડાઉનના લીધે પૂરી થઈ શકે તેમ નથી. જેથી રાજ્ય સરકારે કોઈપણ ભોગે ધંધા-વેપાર ચાલુ રહેવાની વ્યવસ્થા ગોઠવવી જ પડશે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer