યુક્રેન સરહદે રશિયાની લશ્કરી જમાવટથી યુરોપમાં ગભરાટ

મહામારી વચ્ચે મહાયુદ્ધની ચેતવણી
મૉસ્કો તા.6 : કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા સામે મહાયુદ્ધની ચિંતા ઉભી થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. યુક્રેન સરહદે રશિયાની લશ્કરી જમાવટ વચ્ચે રશિયન નિષ્ણાતોએ એક માસમાં યુદ્ધ છેડાવાની ચેતવણી આપી છે.
સ્વતંત્ર રશિયન સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલગેનહરે ચેતવણી આપી છે કે જે પ્રકારની સ્થિતિ છે તે જોતા આગામી કેટલાક સપ્તાહમાં યુરોપીય અથવા વિશ્વયુદ્ધ જેવો ખતરો સામે આવી શકે છે. આ ખતરો ઝડપથી આગળ વધી રહ્યો છે. જો કે રશિયાએ સત્તાવાર રીતે પોતાની સૈન્ય મૂવમેન્ટથી ડર ન રાખવા અને યુદ્ધની તૈયારીઓથી ઈન્કાર કર્યો છે. 
યુક્રેન અમેરિકાનું માનિતું છે અને રશિયા અને અમેરિકા એકબીજાના ઘોર વિરોધી છે. આવી સ્થિતીમાં જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો સાથીને બચાવવા અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવી શકે છે જે બે મહાસત્તાઓને આમને સામને કરી દેશે. જેમાં અન્ય દેશો નાછૂટકે ધકેલાઈ શકે. યુક્રેન કિનારે તાજેતરમાં હથિયારો ભરેલું એક અમેરિકી જહાજ લાંગર્યાનું સામે આવતાં રશિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં યુક્રેન સરહદે રશિયાએ વધારાના 4 હજાર જવાનો સાથે ટેંકો રવાના કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચે તણાવથી સમગ્ર યુરોપમાં ભયનો માહોલ છે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer