પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં હવે રાહુલ ગાંધીની થશે આકરી કસોટી

આનંદ વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 6 : મહત્ત્વનું રાજ્ય કેરળમાં ચૂંટણી પતી ગઈ હોવાથી હવે કૉંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધીના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર તમામની મીટ મંડાઈ છે. બાકીના તબક્કા માટે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાનો જો રાહુલ નિર્ણય લેશે તો તેઓ તૃણમૂલ કૉંગ્રેસને ચૂંટણી પ્રચારમાં નિશાન બનાવશે કે પછી વડા પ્રધાન મોદી અને ભાજપ સામે તીર છોડશે એ જોવું રસપ્રદ બની રહેશે. રાહુલે કદાચ સંતુલન જાળવવું પડશે. રાહુલ માટે દુવિધા એવી છે કે ડાબેરીઓની સાથે યુતિધર્મને અનુસરતી વખતે તેમણે મમતા સામે પ્રહાર કરવા પડશે અને જો મુખ્યત્વે ભાજપને નિશાન બનાવવાનું પસંદ કરે તો, તેથી પોતાની યુતિ નબળી પડશે.
જોકે, બંગાળની ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં રાજકીય વિવશતાઓને કારણે રાહુલ ગાંધીને પ્રચારથી દૂર રહેવું પડયું હતું. રાહુલે એવી પરિસ્થિતિને ટાળી હતી કે જ્યાં કેરળમાં કૉંગ્રેસ અને ડાબેરીઓ કટ્ટર હરીફો છે, જ્યારે બંગાળમાં સાથીઓ છે.
એવું જણાય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વવાળો કૉંગ્રેસ પક્ષ મમતા બેનરજી પર સીધો પ્રહાર કરવામાં વધુ સાવચેતી વર્તી રહ્યો છે. વિશેષપણે ભાજપને પરાજિત કરવા માટે કૉંગ્રેસ સહિત, પરંતુ ડાબેરીઓને બાદ કરીને સંયુક્ત વિપક્ષનો ટેકો માગતો મમતાએ પત્ર લખ્યા બાદ કૉંગ્રેસ પક્ષ વધુ સાવધાની વર્તી રહ્યો છે. વિપક્ષના બ્લોકના અન્ય અગ્રણી સભ્યોમાં નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પક્ષનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસના બંગાળના નેતાઓ મુખ્ય પ્રધાન મમતા બેનરજીની જાહેર ટીકા કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પક્ષની કેન્દ્રીય નેતાગીરીના મુખ્ય પ્રધાનની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ છે અને અત્યાર સુધી મમતા બેનરજીની જાહેરમાં ટીકા નથી કરી.
જોકે, કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા માટે રાહુલ અને પ્રિયંકાને પક્ષના રાજ્ય એકમ તરફથી વારંવાર વિનંતી કરાઈ છે અને તેઓ રાજ્યમાં બહુ જલ્દી ચૂંટણી પ્રચારમાં જોડાવાની સંભાવના છે.
કૉંગ્રેસની જ્યાં નક્કર હાજરી છે એવા વિસ્તારોમાં ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થવાનું હોવાથી સ્ટાર પ્રચારકોની પશ્ચિમ બંગાળની મુલાકાત વધુ અર્થ ધરાવતી હોવાનું પણ રાજ્ય કૉંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે.
પરંતુ અન્ય સમસ્યાઓ પણ છે. એક તરફ શાસક તૃણમૂલ કૉંગ્રેસની વિરુદ્ધ માર્ક્સવાદી પક્ષની સાથે જોડાણ સાધવા પશ્ચિમ બંગાળ એકમની લાગણી સાથે કૉંગ્રેસે નમતું જોખ્યું છે, જ્યારે બીજી તરફ અન્ય વિપક્ષો તરફથી એવા દબાણનો તે સામનો કરી રહ્યો છે કે ભાજપ વિરુદ્ધની લડાઈમાં મમતા બેનરજીને તેણે ટેકો આપવો જોઈએ.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer