સચીન વાઝે સાથે એનઆઈએ ટીમે સીન રિક્રિએટ કર્યો

મુંબઈ, તા. 6 : એન્ટિલિયા કેસમાં આરોપી સચીન વાઝેને લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ સોમવારે મોડી રાતે સીએસએમટી સ્ટેશન પર પહોંચી હતી. અહીં એનઆઈએની ટીમે સીન રિક્રિએટ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ સાથે પુરાવા સબળ બનાવવા માટે વાઝેને પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર લઈ ગઈ હતી. અહીં રેડ ટેપિંગ પર સચીન વાઝેને ચલાવીને સીન રિક્રિએટ કરાયો હતો અને સીસીટીવી પુરાવાને ક્રોસ વેરિફાય કરી શકાય. એનઆઈએ ટીમ સાથે ફોરેન્સિક ટીમ પણ હાજર રહી હતી. અહીં સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ સચીન વાઝેને કારમાં બેસાડી ફરી કાર્યાલય લવાયો હતો.
એન્ટિલિયા કેસમાં તપાસ લગભગ પૂરી કર્યા બાદ એનઆઈએ હવે જીલેટીન ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની મૃત્યુની તપાસ ઝડપી કરી છે. આ જ કડીમાં એનઆઈએના હાલમાં ચોથી માર્ચની રાતનો એક સીસીટીવી ફૂટેજ મેળવ્યો છે. જેમાં વાઝે સીએસએમટી સ્ટેશન તરફ જતો જોવા મળી રહ્યો છે. એનઆઈએ તપાસમાં સામે આવ્યું છે કે ચોથી માર્ચે સાંજે સાત વાગ્યે વાઝે સીએસએમટીથી થાણે ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.
સૂત્રો અનુસાર સચીન વાઝે ચોથી માર્ચે સાંજે 6.30 વાગ્યે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટની અૉફિસમાંથી નીકળ્યો અને સાંજે સાત વાગ્યે સીએસએમટી સ્ટેશનમાં કેન્ટિન તરફથી પ્રવેશ કર્યો હતો. વાઝે લગભગ એક કલાક બાદ રાત 8.10 વાગ્યે થાણેના કલવા સ્ટેશને પહોંચ્યો હતો. સૂત્રો અનુસાર વાઝેએ મનસુખને ફોન કરી રાતે 9.20 વાગ્યે ફોન કર્યો હતો અને તેના કહેવા પ્રમાણે મનસુખ રાતે 9.20 વાગ્યે મુંબઈના બાયકુલા પહોંચ્યો હતો.
સોમવારે મોડી રાતે એનઆઈએની ટીમે સચીન વાઝે સાથે સીએસએમટી સ્ટેશન પર ચોથી માર્ચનો સીન રિક્રિએટ કર્યો હતો. ટીમે પોતાના પુરાવા સબળ કરવા પ્લેટફોર્મ ચાર અને પાંચ પર રેડ ટેપિંગ કરી વાઝેને ચલાવ્યો હતો. સચીન વાઝેની મૂવમેન્ટને ફોરેન્સિક ટીમે રેકોર્ડ કરી હતી. તેનું એનાલિસીસ કરી ટીમ એક-બે દિવસોમાં પોતાનો રિપોર્ટ એનઆઈએને સોંપશે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer