દેશમુખે સીબીઆઈ તપાસના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

રાજ્ય સરકારે પણ સ્વતંત્ર અરજી નોંધાવી
નવી દિલ્હી, તા. 6 
(પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ ઉપર ટોચના પોલીસ અધિકારી પરમબીર સિંહે કરેલા આક્ષેપોની પ્રાથમિક તપાસ સીબીઆઈને 15 દિવસમાં કરવાના મુંબઈ વડી અદાલતના આદેશને રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. રાષ્ટ્રવાદીના નેતા અનિલ દેશમુખે પણ સર્વોચ્ચ અદાલતમાં હાઈ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી નોંધાવી છે.
મહારાષ્ટ્ર સરકારના ધારાશાત્રી સચીન પાટીલે જણાવ્યું છે કે અમે મુંબઈ વડી અદાલતના આદેશની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતનો આશરો લીધો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહ, ધારાશાત્રી જયશ્રી પાટીલ અને અન્ય કેટલાક જણાએ મુંબઈ વડી અદાલતમાં અરજી નોંધાવીને પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઠાકરેને લખેલા પત્રમાં દેશમુખ વિરુદ્ધના આક્ષેપોની તપાસ કરવાની વિનંતી કરી હતી. તે પત્રમાં આક્ષેપો `અભૂતપૂર્વ' અને અસાધારણ ગણાવીને વડી અદાલતે સીબીઆઈને તે અંગે પ્રાથમિક તપાસ 15 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો તેને મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને તપાસના કામમાં શક્ય બધો જ સહકાર આપશે. અમે વડી અદાલતના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. મેં મુશ્કેલ અને પડકારભર્યા સમયમાં આ ખાતાની જવાબદારી સ્વીકારી છે. હું મારા તરફથી `રાજકીય હસ્તક્ષેપ' વિનાનું `સ્વચ્છ પોલીસ વહીવટ તંત્ર' પૂરું પાડવામાં આવશે. મારી પ્રાથમિકતા શક્તિ બિલ લાગુ પાડવાની રહેશે.
મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખે બંનેએ સ્વતંત્ર અરજીઓ દ્વારા મુંબઈ વડી અદાલતના આદેશને પડકાર્યો છે. ઉપરાંત તેઓની અરજીઓની સુનાવણી તાકીદે હાથ ધરવાની વિનંતી કરી છે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer