અમે હિંદુઓને એક થવા, ભાજપને મત આપવા કહ્યું હોત તો ? : મોદી

મમતાની મુસ્લિમોને એક થવાની અપીલ પર વરસ્યા વડા પ્રધાન
કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચ બિહારમાં ચૂંટણી સભા સંબોધતા ભાજપની સ્પષ્ટ બહુમત સરકાર બની રહ્યાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા મુસ્લિમોને એકજૂટ થવાની કરેલી અપીલ અંગે નિશાનો સાધ્યો કે મુસ્લિમોને એકજૂટ થવાની તમારી અપીલ હતાશા છે. તમને ખાતરી થઈ છે કે મુસલમાનો પણ તમારાથી દૂર થઈ ગયા છે. એટલે જ તમે મુસ્લિમોને એક થવા, મત ન વહેંચવા કહો છો. જો અમે હિંદુઓને એક થવા અને ભાજપને મત આપવાની વાત કરી હોત તો શું થાત ? ચૂંટણી પંચની 8-10 નોટિસ આવી ગઈ હોત.
બે વર્ષ પહેલા તૃણમૂલે અહીં રેલીમાં અડંગો લગાવ્યો હતો. આજે કયાંય તૃણમૂલ કોંગ્રેસ જોવા મળતી નથી. મમતાને ટાંકી મોદીએ કહ્યુ કે તમારો ગુસ્સો, નારાજગી, વ્યવહાર, બધુ જોઈને એક બાળક પણ સમજી શકે કે તમે ચૂંટણી હારી ચૂકયા છો. તમે મેદાન છોડી ચૂકયા છો. જે દિવસે તમે નંદીગ્રામમાં પોલિંગ બૂથમાં ખેલા કર્યો, તે જ દિવસે આખા દેશે માની લીધુ કે તમે હારી ગયા છો. 

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer