લૉકડાઉન જેવા આકરાં પગલાંની ગુજરાત હાઈ કોર્ટે કરી ટીકા

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 6 : હાઇકોર્ટે રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે લોકડાઉન જેવા આકરા પગલાં લેવાની ટકોર કરી છે. વિકેન્ડ લોકડાઉન લાદવું કે કફર્યૂ લાગુ કરવો કે નહિ તે અંગે રાજ્ય સરકાર અભ્યાસ અને બેઠક કરી નિર્ણય કરશે તેમ આજે સુરત આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. 
દાંડીયાત્રાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ એકાએક સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે તાબડતોબ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક યોજીને સુરતમાં થયેલા કોરોના બ્લાસ્ટને વધતું અટકાવવા માટે કેટલાક પગલાંઓ લેવાની જાહેરાત કરી હતી. 
શહેરમાં વધુ બીજા 50 ધન્વંતરી રથ શરૂ કરાશે જેથી સો ધન્વંતરી રથ શહેરભરમાં કોરોનાના દર્દીઓને ટેસ્ટીંગ કરીને શોધી કાઢશે. મુખ્યપ્રધાને સુરતને રેમડેસીવીર ઇન્જેકશનનો વધુમાં વધુ જથ્થો ફાળવવાની જાહેરાત કરી હતી. ખાનગી હોસ્પિટલોને અધિકારીઓની એક ટીમ ઇન્જેકશનનો જથ્થો ફાળવશે. જેથી પરિજનોએ આ માટે હોસ્પિટલની બહાર ખરીદવા જવું પડશે નહિ તેમજ રાજ્ય સરકારે ઇન્જેકશનના ત્રણ લાખના જથ્થાનો ઓર્ડર આપ્યો હોવાની વાત કરી હતી. જેથી આગામી બે - ત્રણ દિવસમાં ઇન્જેકશનની બૂમ ઓછી થઇ જશે તેમ મુખ્યપ્રધાન રૂપાણી કહ્યું હતું.
સમગ્ર રાજયભરમાં ખાનગી નર્સીંગ હોમ પણ હવેથી કોવિડ કો-મોર્બિટ અને એ-સિમ્ટમેટિક લોકોની સારવાર કરી શકશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 800 બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને નવા 300 વેન્ટીલેટરની ફાળવણીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાંથી ખાનગી હોસ્પિટલને પણ જરૂરિયાત મુજબના વેન્ટીલેટર પણ ફાળવવામાં આવશે. 

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer