કોરોના : આગામી ચાર સપ્તાહ કટોકટીનાં

સંક્રમણને કાબૂમાં લેવા જનભાગીદારી અનિવાર્ય: કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, તા. 6 : દેશમાં ભયાવહ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આજે કેન્દ્ર સરકારે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, આવનારાં ચારેક સપ્તાહ કટોકટીનાં છે. આવામાં બેદરકારી લોકોને ભારે પડી શકે છે. મહામારીની આ બીજી લહેરને અંકુશમાં લાવવા માટે લોકભાગીદારી અનિવાર્ય બની જાય છે.
દેશમાં વધતાં કોરોના સંક્રમણ અને રસીકરણની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, દેશમાં કોરોનાનાં કુલ દર્દીઓમાંથી 92 ટકા રોગમુક્ત થઈ ગયા છે. 1.3 ટકા જેટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આશરે 6 ટકા જેટલા કેસ નવા છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટિવ દર્દીનો દર 6 ટકા જેટલો થઈ ગયો હતો. હવે તે વધીને 24 ટકા જેટલો વધી ગયો છે અને આ ચિંતાજનક છે. સૌથી વધુ કોરોનાના કેસ હોય તેવા જિલ્લાઓમાં 7 મહારાષ્ટ્રના છે. કોરોનાથી મૃત્યુના મામલામાં લગભગ 34 ટકા જેટલાં મૃત્યુ એકલા મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યાં છે. 
નાનું રાજ્ય હોવા છતાં 6 ટકા જેટલા કેસ છત્તીસગઢના છે અને મૃત્યુનું પ્રમાણ પણ 3 ટકા જેટલું છે. આપણો હેતુ કોઈ સામે આંગળી ચીંધવાનો નથી પણ સાથે મળીને કામ કરવાનો છે. દેશમાં 3 ટકા જેટલા કેસ પંજાબના છે અને મૃત્યુનું પ્રમાણ 4 ટકા છે. સક્રિય કેસની બાબતમાં દિલ્હી અને હરિયાણાની સ્થિતિ પંજાબથી બહેતર છે. 
નીતિ આયોગનાં સદસ્ય ડૉ.વી.કે.પોલે કહ્યું હતું કે, દેશમાં મહામારીનો પ્રભાવ વધી ગયો છે. ચેતવણી છતાં સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી નથી. તેથી હાલત બદતર થઈ ગઈ છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 96,982 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડ 26 લાખ 86 હજાર 49 થઈ ગયો છે. આ દરમિયાન 446 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જેના હિસાબે કુલ મૃત્યુઆંક 1 લાખ 6પ હજારને પાર થઈ ગયો છે. છેલ્લા 27 દિવસથી દેશમાં કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ ગાળામાં સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 88 હજાર 223 થઈ ગઈ છે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer