લૉકડાઉનના વિરોધમાં કાલે વેપારીઓના દેખાવો

લૉકડાઉનના વિરોધમાં કાલે વેપારીઓના દેખાવો
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર સરકારે લાદેલા મિની લૉકડાઉન સામે વેપારી આલમમાં આક્રોશ છે અને ગુરુવારે બપોરે 1થી 3 વાગ્યા સુધી રાજ્યભરના વેપારીઓ પોતાની દુકાનો અને બજારોમાં મોં પર કાળી પટ્ટી પહેરી એકબીજાથી અંતર જાળવીને ઘંટનાદ કરી લૉકડાઉનનો વિરોધ દર્શાવશે, એમ ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્રના અધ્યક્ષ વિનેશ મહેતાએ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું.
મહેતાએ જણાવ્યું હતું કે આજે સવારથી જ પોલીસ અને પ્રશાસને રાજ્યભરમાં લૉકડાઉનનો આકરો અમલ શરૂ કરાવી બધું જ બંધ કરાવી દેતા વેપારીઓમાં ઉહાપોહ અને ચિંતા છે. બપોરે અમે ઍસોસિયેશનની અૉનલાઇન બેઠક કરીને સરકારના લૉકડાઉનનો મૂક આક્રોશ વ્યક્ત કરવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. અગાઉ અમે સરકાર, પ્રશાસન અને વિપક્ષોને પણ પત્ર લખીને વેપારીઓના હિતમાં કોઈક નિર્ણયની અપીલ કરી હતી પરંતુ તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી. ગુરુવારે આંદોલન બાદ ફરીથી અૉનલાઇન ચર્ચા વિચારણા કરી વેપારી આલમ પોતાના નવતર દેખાવોના કાર્યક્રમ નક્કી કરશે.
ભાજપના નેતા રાજ કે પુરોહિતે `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે સરકારે મિની લૉકડાઉનનું કહીને અચાનક મહિનાનું પૂર્ણ લૉકડાઉન લાદ્યું છે. તેના કારણે વેપારી વર્ગ સાથે મજૂર અને ગરીબ વર્ગ પણ સમસમી ગયો છે. ગુરુવારે ભૂલેશ્વરમાં વેપારી આંદોલનની આગેવાની હું લેવાનો છું, એમ પુરોહિતે કહ્યું હતું.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer