મિનિ લૉકડાઉન એટલે પાડાના વાંકે પખાલીને ડામ

મિનિ લૉકડાઉન એટલે પાડાના વાંકે પખાલીને ડામ
મુંબઈ, તા. 6 : સત્તાને શાણપણ સાથે હોય તો જે દીકરો વર્ષોવર્ષ કમાઈ આપે છે તેને કાંકરાની માફક કાઢી નાંખવાનું સરકારે વિચાર્યું ન હોત, એમ ભૂલેશ્વર રિટેલ ઍન્ડ ક્લોથ ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ ગિરિશ ડ્રેસવાલાએ જણાવ્યું હતું.
ગંભીર સમસ્યા મહારાષ્ટ્ર પ્રશાસન સામે છે તે નકારી ન શકાય. પરંતુ રોજ કમાય અને રોજ ઘર ચલાવતા આ શાંત વ્યાપારી અને નોકરિયાત વર્ગ જે લાખોની સંખ્યામાં છે, તેમના અનેક ઍસોસિયેશનના પ્રતિનિધિની સાથે વાતચીત કર્યા વગર આ રીતનું એલાન કોઈપણ રીતે માનવતાની વિરુદ્ધ કહી શકાય. સ્પષ્ટ શબ્દોમાં મિનિ લૉકડાઉન એટલે પાડાને વાંકે પખાલીને ડામ, એમ ડ્રેસવાલાએ કહ્યું હતું.
હજુ તો ગત વર્ષના કપરા કાળમાંથી માંડ સ્થિર નથી થયાને સંપૂર્ણ એપ્રિલ દુકાને તાળા! 
આ જો મિનિ લૉકડાઉન શાસન ઢંઢેરો પીટીને કહેતું હોય તો તે ક્ષમ્ય નથી શરમજનક છે! 
સરકારી સાધનો જો ફેરવિચારણા કરી રાહત જાહેર કરે તો સારું છે નહીં તો આ અતિસામાન્ય જનતામાંથી કાંઈક માઠાં સમાચારો આવવાના શરૂ થઈ શકે છે. 
ભારતમાં સમૃદ્ધ મહારાષ્ટ્રની ગરિમા જળવાશે કે નહીં. જે મુંબઈમાં પ્હોંચી કામ કરવાનું સ્વપ્ન પરિવાર વડીલો જોતા હતા તે હવે તેથી વિપરીત પાછા બોલાવી સુરક્ષિત રાખવા વિચારતા થશે. 
પ્રશ્ન છે કે સાચા અર્થમાં સ્વીકારીએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા રહ્યા છે. તેમાં દુકાનદારોની બેદરકારી માત્ર હતી કે શું માનવું તેની વાસ્તવિકતા નિહાળવી જરૂરી બની રહે છે, જ્યારે આ કારમો ઘા છૂટક કે જથ્થાબંધ દુકાનો પર લૉકડાઉન રૂપે ઝીંક્યો છે. 
માર્ચ 2020થી લગભગ ચાર મહિના ઝીરો વેપાર બાદ માંડ માંડ ગણ્યાગાંઠ્યા ગ્રાહકો દિવસ દરમિયાન આવતા હોય, તેમને સેનેટાઇઝરથી હાથ ધોવા, માસ્ક પહેરવું તે સૂચના અપાતી હોય તે માત્રને માત્ર આ જ દુકાનદારો રહ્યા છે. 
અમારી ભૂલેશ્વર તથા બનારસ વ્યાપારી ઍસોસિયેશનોએ મુખ્ય પ્રધાનને પત્ર લખી આદેશને પાછો ખેંચી કે હળવો બનાવવા પત્ર લખેલ છે. જરૂર પડે અમોને બોલાવી નિષ્કર્ષ કાઢશે તો તે આશીર્વાદ રૂપ બનશે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer