મિની લૉકડાઉનથી પરેશાન પ્રજા રસ્તા પર ઊતરી આવી : ફડણવીસ

મિની લૉકડાઉનથી પરેશાન પ્રજા રસ્તા પર ઊતરી આવી : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા માટે આકરા પગલાં ભરવાના ભાગરૂપે તમે બે દિવસ એટલે કે સપ્તાહાંતના લૉકડાઉનની વાત કરી હતી. તેથી મેં સંમતિ દર્શાવી હતી. જોકે સપ્તાહના પાંચ દિવસ મિની લૉકડાઉન લાદતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેથી સમાજના નાના ઘટકો સાથે ફરી વાત કરીને ગરીબોનું જીવન અને અર્થતંત્ર બંનેને અસર થાય નહીં એવી રીતે લૉકડાઉનનો અમલ કરવો જોઈએ એમ ભાજપના આગેવાન અને વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ફડણવીસે જણાવ્યું હતું કે કેટલાય સ્થળોએ લોકોએ રસ્તા ઉપર ઉતરીને લૉકડાઉનનો વિરોધ ર્ક્યો છે. વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરતા પહેલા વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં નથી લેવાયાં. લૉકડાઉનની માઠી અસરથી લોકો ચિતિંત છે. જે રીતે કામકાજના પાંચ દિવસોમાં લૉકડાઉન જેવાં જ આકરાં નિયમો લાદવામાં આવ્યા છે તેનાથી લોકોમાં બેચેની છે તેથી તેઓ રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, એમ ફડણવીસે ઉમેર્યુ હતું.
ભાજપના સ્થાપના દિન નિમિત્તે પૂણે ખાતે કાર્યકરોને સંબોધતા પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન લાદીને લોકો સાથે ઠગાઈ કરી છે. સરકારે સમાજના વિવિધ વર્ગો માટે ફાયનાન્સીયલ પેકેજ જાહેર કરવું જોઈએ. સતાધીશો દ્વારા થયેલી ઠગાઈ વેપારીઓ અને સામાન્ય નાગરિકો સાંખી નહી લે. રાજ્ય સરકારે વિવિધ નિયંત્રણોની સામાન્ય નાગરિકો ઉપર થનારી અસર વિશે વિચારવાની જરૂર હતી, એમ પાટીલે ઉમેર્યુ હતું.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer