ટીમ ઇન્ડિયાની સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ શરૂ

ટીમ ઇન્ડિયાની સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ શરૂ
ત્રણ દિવસના કડક ક્વૉરેન્ટાઈન બાદ હવે ગ્રુપમાં અભ્યાસની છૂટ : જાડેજા, પૂજારા અને સિરાઝ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડયો
સાઉથમ્પટન, તા.6: ટીમ ઇન્ડિયાએ ત્રણ દિવસના આકરા ક્વોરન્ટાઇન બાદ આજથી પ્રેક્ટિસ શરૂ કરી દીઘી છે. રવિવારે સવારે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, મીડલ ઓર્ડર બેટસમેન ચેતેશ્વર પુજારા અને મોહમ્મદ સિરાઝ સહિતના કેટલાક ખેલાડી અભ્યાસ સત્રમાં જોડાયા હતા. જાડેજા અને સિરાઝ બાદમાં રોઝ બાઉલ સ્ટેડિયમમાં બોલિંગ પ્રેક્ટિસની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો માટે શેર કરી છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેનો ફાઇનલ મેચ અહીં તા. 18મીથી શરૂ થશે.
જાડેજાએ તસવીર સાથે લખ્યું છે કે સાઉથપ્ટનમાં પહેલી આઉટિંગ. સિરાઝે લખ્યું છે કે, મારા હાથમાં દડો આવતા જ મારા ચહેરા પર ખુશી ફરી વળી. જયારે પુજારાએ ફિટનેસ માટે રનિંગ કરી હતી. ક્વોરન્ટાઇન દરમિયાન ઇસીબી તરફથી ભારતીય ખેલાડીઓને ગ્રુપમાં પ્રેક્ટિસ કરવાની છૂટ મળી છે. 13 જૂનથી તમામ ખેલાડી નોર્મલ પ્રેક્ટિસ શરૂ કરી શકશે. 
ટીમ ઇન્ડિયા મુંબઈ અને સાઉથમ્પટન મળીને કુલ ત્રણ સપ્તાહ માટે ક્વોરન્ટાઇન છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ અહીં 3 જૂને પહોંચી હતી. પહેલા ત્રણ દિવસ સુધી સખત ક્વોરન્ટાઇનનું પાલન કરવાનું હતું. આ દરમિયાન રૂમની બહાર નીકળવાની પણ છૂટ ન હતી. આ દરમિયાન ત્રણ કોરોના ટેસ્ટ પણ થયા હતા. એ પછી આજથી ટીમની ગ્રુપમાં ટ્રેનિંગ શરૂ થઈ છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer