પેરિસમાં મધરાતે ફેડરરનો લડાયક વિજય

પેરિસમાં મધરાતે ફેડરરનો લડાયક વિજય
ફ્રૅન્ચ અૉપનમાં ટૉપ થ્રી ફેડરર, જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડમાં :મહિલા વિભાગમાં પાંચમા ક્રમની સ્વિતોલિના આઉટ
પેરિસ, તા.6: પોતાના 21મા વિક્રમી ગ્રાંડસ્લેમ ખિતાબના અભિયાનમાં આગળ વધીને મહાન સ્વિસ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ફ્રેંચ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. ચાર સેટની રસાકસી બાદ ફેડરરે આખરે 59મા ક્રમના ખેલાડી ડોમિનિક કોપફેર સામે 7-6, 6-7, 7-6 અને 7-5થી રોમાંચક જીત હાંસલ કરી હતી. આ મેચ શનિવારે રાત્રે 1-00 વાગ્યા સુધી ચાલ્યો હતો અને કોવિડ-19ને લીધે રાત્રે 9-00 વાગ્યાથી પેરિસમાં કર્ફ્યૂ હોવાથી દર્શકોની ગેરહાજરી વચ્ચે રમાયો હતો. મધરાતે રોમાંચક જીત મેળવનાર ફેડરર તા. 8 ઓગસ્ટે 40 વર્ષનો થશે. આમ છતાં તેણે કલે કોર્ટ પર યુવા ખેલાડીને શરમાવે તેવી ફિટનેસ સાબિત કરી હતી. આ સાથે જ ફેડરર 68મી વખત કોઇ ગ્રાંડસ્મેલ ટૂર્નામેન્ટના પ્રી. કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. આ પછી નોવાક જોકોવિચ (54) અને રાફેલ નડાલ (50)ના નંબર આવે છે. સોમવારે ફેડરરની ટક્કર ઇટાલીના ખેલાડી નવમા ક્રમના મેટિયો બેરેટિની સામે થશે.
બીજી તરફ ખિતાબના પ્રબળ દાવેદાર નડાલ અને જોકોવિચ પર ફ્રેંચ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયા છે. જ્યારે મહિલા વર્ગમાં પાંચમા ક્રમની ખેલાડી એલિના સ્વિતોલિના અપસેટનો શિકાર બનીને બહાર થઇ છે. રેકોર્ડ 13મો ફ્રેંચ ઓપન ખિતાબ જીતવા તરફ આગળ વધી રહેલા નડાલે ત્રીજા રાઉન્ડમાં કેમરન નૂરીને 6-3, 6-3 અને 6-3થી હાર આપી હતી. હવે તેનો સામનો 19 વર્ષના ઇટાલીના ખેલાડી જાનિક સિનર વિરૂધ્ધ થશે. જોકોવિચે 93મા ક્રમના ખેલાડી રેકોર્ડસ બેરાકિંસ સામે 6-1, 6-4 અને 6-1થી જીત મેળવી ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.
મહિલા વિભાગમાં અમેરિકી ખેલાડી જસ્ટિન કેનિન ચોથા રાઉન્ડમાં પહોંચી છે. તો સ્વિતોલિના બારબરા ક્રાજેસિકોવા સામે 3-6, 2-6થી હારીને બહાર થઇ છે.
ઘૂંટણના દર્દથી પરેશાન ફેડરરનો ફ્રેંચ ઓપન છોડવાનો સંકેત
ફ્રેંચ ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ ફેડરરે ટૂર્નામેન્ટ છોડવાનો સંકેત આપીને રમતપ્રેમીઓને સ્તબ્ધ કરી દીધા છે. શનિવારે લગભગ ચાર કલાકના મુકાબલા બાદ જીત હાંસલ કરનાર ફેડરરના શરીર પર થાક જોવા મળી રહ્યો હતો. તે ઓગસ્ટમાં 40 વર્ષનો થશે. ઘૂંટણનું દર્દ તેનો પીછો છોડી રહ્યંy નથી. જે શનિવારના મેચ બાદ ફેડરરની ફિટનેસ પર નજરે પડી રહ્યં હતું. તે પાછલા બે વર્ષથી ઘૂંટણની ઇજાથી પરેશાન છે અને સર્જરી પણ કરાવી ચૂકયો છે. ત્રીજા રાઉન્ડમાં જીત બાદ ફેડરરે કહ્યં કે તે ટૂર્નામેન્ટને લઇને અવઢવમાં છે. મને નથી ખબર કે આગળ હું રમી શકીશ કે નહીં ? મારે જલ્દીથી ફેંસલો લેવો પડશે. શું અહીં રમવાનું ચાલુ રાખવાથી મારા ઘૂંટણનું દર્દ વધી શકે છે ? શું આરામ કરવાનો આ સાચો સમય છે ? ફેડરરે ચોથા રાઉન્ડમાં ઉતરતા પહેલા 24 કલાકનો સમય મળશે. ફેડરર ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન બાદ બે વખત સર્જરી કરાવી ચૂકયો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષની વિમ્બલ્ડન મહાન ફેડરરની આખરી ટૂર્નામેન્ટ લગભગ હશે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer