કઠોળ અને તેલીબિયાંના પાકના સરકારી અંદાજો વેપારીઓને વધુપડતા લાગે છે

મુંબઈ, તા. 6 : 2020-21ના પાકના ત્રીજા આગોતરા અંદાજોથી વેપારીઓ અને અન્ય હિતધારકોનું મગજ ચકરાવે ચડી ગયું છે. વાસ્તવિકતા એ છે કે પાકના સત્તાવાર અંદાજોનો બજારની વધઘટ સાથે મેળ ખાતો નથી. શું અધિકારીઓ પર કૃષિ ક્ષેત્રની કામગીરી સારી દેખાડવાનું દબાણ છે? એ ખરું છે કે કોરોનાના અંધારભર્યા સમયમાં કૃષિ ક્ષેત્ર આશાની દીવાદાંડી બની રહ્યું છે. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનાં કામકાજમાં ભારે ઓટ આવી છે ત્યારે કૃષિ ક્ષેત્રે વિકાસનો મોરચો સંભાળી રાખ્યો છે. પરંતુ તેથી પાકના સત્તાવાર અંદાજો વિશ્વાસપાત્ર બની જતા નથી.
વધુ ચોકસાઈથી કહીએ તો કઠોળ અને તેલીબિયાંના સત્તાવાર અંદાજો વધુપડતા ઉંચા જણાય છે. આ ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો (જેને લીધે સરકારને દરમિયાનગીરી કરવાની ફરજ પડી) તેની સાબિતી છે.
સરકારી અંદાજો અનુસાર 2020-21માં સોયાબીનનો પાક આગલા વર્ષના 112 લાખ ટનથી વધીને 134 લાખ ટન અને રાયડા-સરસવનો પાક 91 લાખ ટનથી વધીને 100 લાખ ટન થયો હતો. જો ખરેખર એટલો પાક થયો હોત તો તેમના ભાવમાં તેજીને અવકાશ જ ન હોત. પરંતુ બજારની વાસ્તવિકતા અલગ છે. સોયાબીનના ભાવ ક્વિંટલ દીઠ રૂા. 7200 આસપાસ છે જે તેના ટેકાના ભાવ (રૂા. 3880) કરતાં આશરે 70 ટકા ઉંચા છે. વેપારી વર્ગ સરકારી અંદાજોને નકારી કાઢતાં કહે છે કે સોયાબીનનો વાસ્તવિક પાક આશરે 30 ટકા ઓછો, 100 લાખ જેટલો હોવો જોઈએ. આવી જ સ્થિતિ રાયડા-સરસવમાં છે. 100 લાખ ટન જેવો જંગી પાક થવા છતાં તેના ભાવ રૂા. 7250 પ્રતિ ક્વિન્ટલ બોલાય છે જે ટેકાના ભાવ (રૂા. 4650) કરતાં 50 ટકાથી વધારે ઉંચા છે.
ખાદ્યતેલોના સ્થાનિક ભાવ ઉંચા જવામાં આંતરરાષ્ટ્રીય પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે તેમાં શંકા નથી. દક્ષિણ અમેરિકામાં લા નિનાને કારણે સર્જાયેલું સૂકું હવામાન તથા અમેરિકાની મધ્યસ્થ બૅન્કની અતિ ઉદાર નાણાનીતિને કારણે વિદેશી બજારમાં ખાદ્યતેલો અને તેલીબિયાંના ભાવ ઊછળી ગયા છે. પામ તેલના ભાવ એક વર્ષમાં બમણા થઈ ગયા. ક્રૂડ તેલના ભાવે પણ ખાદ્ય તેલોના ભાવવધારાને ઈંધણ પૂરું પાડયું, કેમ કે ખાદ્ય તેલો વધુ પ્રમાણમાં બળતણ બનાવવામાં વપરાયા. કઠોળનો કિસ્સો આનાથી પણ વિચિત્ર છે. સરકારી અંદાજ પ્રમાણે આ વર્ષે કઠોળનો વિક્રમ પાક (256 લાખ ટન) ઉતર્યો છે. છતાં કઠોળના ભાવ ટેકાના ભાવથી ક્યાંય ઉંચા બોલાય છે. વેપારીવર્ગના કહેવા મુજબ ચણાનો પાક 126 લાખ ટન નહીં, પણ 100 લાખ ટન અને તુવેરનો પાક 41.4 લાખ ટન નહીં પણ 35 લાખ ટન હોવો જોઈએ. એટલે જ તો સરકારે તુવેર, અડદ અને મગની મુક્તપણે આયાત કરવાની છૂટ આપી છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer