કોરોના અને કામદારોની અછતથી બ્રાસ પાર્ટ્સ એકમો પરેશાન

કોરોના અને કામદારોની અછતથી બ્રાસ પાર્ટ્સ એકમો પરેશાન
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 6 : ગુજરાતના બ્રાસ ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા જામનગરના હજારો લઘુ અને ગૃહ ઉદ્યોગો હાલ 30-35 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.   
આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબા સહિત બિનલોહ ધાતુઓના સતત ઉંચા ભાવ અને જામનગર ખાતેથી હજારો પરપ્રાંતીય મજૂરોના પલાયન ઉપરાંત દેશમાં લોકડાઉંનને લીધે માગ ઘટવાથી બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદન ઘટી ગયું છે. જો કે સ્થાનિક કામદારો વડે જોબવર્ક કરનારાં અતિ નાનાં એકમોમાં કામકાજ ચાલુ છે.  
દેશ અને ગુજરાતમાં અઠવાડિયાથી કોરોનાની બીજી લહેર કાબૂમાં આવવાના સંકેતોથી અહીંના ઉદ્યોજકોને હવે ઉત્પાદન સુધરવાની પ્રબળ આશા બંધાઈ છે, એમ એક અગ્રણી આયાતકારે વ્યાપારને જણાવ્યું હતું. બીજી તરફ અમેરિકાએ જાહેર કરેલા મસમોટા પ્રોત્સાહન પૅકેજને કારણે વૈશ્વિક બજારોમાં મુખ્યત્વે કાર અને અન્ય વપરાશી ચીજોની માગ ચોક્કસ વધશે. તેથી જામનગરના ઉદ્યોગોના કામમાં જુલાઈથી સારો સુધારો થવાની સંભાવનાં છે. ઉદ્યોજકો આગળના સમયના તૈયારીમાં પડયા છે. જો કે નવી ખરીદી અને આયાત મર્યાદિત રહી છે.   
જામનગર એક્ઝિમ મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અને અગ્રણી આયાતકાર ધર્મભાઈ કે. જોષીએ જણાવ્યું હતું કે `અમેરિકાના જંગી પ્રોત્સાહન પૅકેજથી વૈશ્વિક અર્થતંત્રમાં ચોક્કસ સુધારો આવશે. તેને લીધે બિનલોહ ધાતુઓના ભાવને તત્પૂરતો ટેકો મળશે અને સ્થાનિક ઉદ્યોગમાં નિકાસ માટેનાં કામકાજ વધશે એવી આશા છે. બીજી તરફ દેશમાં વિવિધ સ્થળોએ લૉકડાઉન હળવો થવાની શરૂઆત થઈ છે, જેની ઉદ્યોગો પર સાનુકૂળ અસર પડશે. કોરોનાનો કહેર ઘટવાથી પલાયન કરી ગયેલ કામદારો પણ જૂનથી જામનગર પાછા ફરશે એવી આશા છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer