કૉમોડિટીઝની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના રોકાણકારોને મળી રહ્યું છે સમૃદ્ધ વળતર

કૉમોડિટીઝની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના રોકાણકારોને મળી રહ્યું છે સમૃદ્ધ વળતર
કેવલ ત્રિવેદી તરફથી
મુંબઈ, તા. 6 : વૈશ્વિક કૉમોડિટીના વધી રહેલા ભાવની અસરથી વપરાશકાર ઉદ્યોગોના નફા ઉપર માઠી અસર પડી છે. ત્યારે તેની કંપનીઓના શૅરમાં રોકાણ કરનારા મ્યચ્યુઅલ ફંડ્સના રોકાણકારોને તગડું વળતર મળી રહ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની નેટ એસેટ વેલ્યુ (એનએવી)એ 15થી 21 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે અને તેજીના સંયોગો જોતા આ વળતર વધવાની સંભાવના વધુ છે.  
કૉમોડિટીના ભાવ વધારાનો ફાયદો શૅરબજારમાં મેટલ્સ, માઈનિંગ, અૉઈલ અને ગૅસ કંપનીઓને ચોક્કસ થશે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ કૉમોડિટીના વધતા ભાવની અસર જોવા મળી રહી છે. આદિત્ય બિરલા સન લાઈફ કૉમોડિટી ઈક્વિટીઝના  ગ્લોબલ એગ્રી ફંડની નેટ એસેટ વેલ્યુ (એનએવી) 15.21 ટકા વધી છે અને તેનો ગ્રાફ ઉપર જ જઈ રહ્યો છે અને આ કેટેગરીની સરેરાશ (19.08 ટકા)ની નજીક પહોંચી રહ્યો છે. 2 જૂનના રોજ એનએવી રૂા.  34.05 હતી, છેલ્લા બે દિવસમાં એનએવીમાં 2.07 ટકાનો વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં આ ફંડનું કુલ રિટર્ન નોંધપાત્ર 425.6 ટકા દર્શાવી રહ્યું છે. પહેલી જાન્યુઆરી, 2013ના રોજ લોન્ચ થયેલી આ સ્કીમની એસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) રૂા. 11 કરોડથી વધુ છે. આ ફંડનો બેન્ચમાર્ક એસઍન્ડપી ગ્લોબલ એગ્રીબિઝનેસ છે.
આ સિવાય એમએસસીઆઈ ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્ડેક્સ બેન્ચમાર્ક ધરાવતો ડીએસપી વર્લ્ડ એગ્રિકલ્ચર ફંડની એનએવી હાલ પ્રતિ યુનિટ 24.91 છે. વાર્ષિક 16.13 ટકા રિટર્ન આપતા આ ફંડની એયુએમ રૂા. 64 કરોડ છે. 
રૂા. 318 કરોડની એયુએમ ધરાવતી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કૉમોડિટીઝ ફંડની એનએવી બીજી જૂને 1.97 ટકા વધી તી. આ થિમેટિક ફંડનું બેન્ચમાર્ક નિફ્ટી કૉમોડિટી ટીઆરઆઈ છે. 25 સપ્ટેમ્બર, 2019ના રોજ લોન્ચ થયેલું. આ ફંડની 166.33 ટકા વૃદ્ધિ થઈ છે. લોન્ચ બાદથી સરેરાશ 63.20 ટકા સરેરાશ રિટર્ન આપ્યું છે. હાલ એનએવી પ્રતિ યુનિટ રૂા. 22.25 છે, જે આગામી સમયમાં અવિરત વધતી રહેશે, તેવી શક્યતા એનલિસ્ટ્સે દર્શાવી છે.  
વૈશ્વિક સ્તરે માઈનિંગ ક્ષેત્રને પણ કૉમોડિટીના ભાવમાં વધારો થવાથી ફાયદો થશે. યુરોપની ગ્લોબલ માઈનિંગ કોન્સ્ટ્રેઈન્ડ વેઈટ્સ નેટ ટોટલ રિટર્ન ઈન્ડેક્સ બેન્ચમાર્ક ધરાવતી ડીએસપી વર્લ્ડ માઈનિંગ ફંડની વાર્ષિક વૃદ્ધિ 26.52 ટકા છે, જ્યારે આ કેટેગરીની સરેરાશ વૃદ્ધિ 19.08 ટકા છે. ફંડની એયુએમ રૂા. 134 કરોડ છે. એમાં પણ આના ડાયરેક્ટ પ્લાનમાં વાર્ષિક 0.74 ટકા વધુ રિટર્ન મળે છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer