તેજીના નવા દોરમાં સોનાના ભાવ 2100 ડૉલરને આંબી જવાની ધારણા

તેજીના નવા દોરમાં સોનાના ભાવ 2100 ડૉલરને આંબી જવાની ધારણા
ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 6 : તહેવારો અને લગ્નસરાની મોસમ નજીક આવી રહી છે તેમતેમ દરેક નાગરિકના મનમાં એક સવાલ જરૂર ઘોળાઈ રહ્યો છે કે સોનાના ભાવ હવે ક્યારે ઘટવાનું શરૂ કરશે, અથવા તેજીનાં વળતાં પાણી થશે કે નહીં? આપણામાંથી કોઈ નથી જાણતું કે આ અપેક્ષા ક્યારે વાસ્તવિકતા બનશે. કેટલાક સંશોધન લેખો અનુસાર ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં સોનાના ભાવ ઘટવાની શરૂઆત થશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એનાલિસ્ટ કહે છે કે અમેરિકામાં સામાન્ય વ્યાજદરો વધીને 2.5 ટકાની ઉપર જાય તો તે સોના ઉપર લાંબાગાળાની નકારાત્મક અસર પડશે.  
પણ અન્ય કેટલાક એનાલિસ્ટો એવું માને છે કે સામાન્ય પ્રજા અને નાણાકીય બજારો હવે વાસ્તવિક (ફુગાવા સામે સરભર કર્યા પછીના)  વ્યાજ દરો શૂન્યથી ઓછા રહે તેનાથી ટેવાઈ રહ્યા છે અને ધીમે ધીમે તેને નવી સામાન્ય પરિસ્થિતિ (ન્યૂ નોર્મલ) તરીકે સ્વીકારી લેશે. જો આમ બને તો સોના માટે તે સારા સમાચાર ગણાશે. ગત સપ્તાહે સોનાએ પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) 1900 ડોલરની સપાટી ફરી વટાવી. છેલ્લા દસ મહિનામાં પહેલી વખત તેજીવાળાને 8 ટકા જેવો મોટો માસિક નફો પ્રાપ્ત થયો. જો હાલની જેમ જ બધુ સમુંસૂતરું પાર ઉતરશે તો આપણને જાગતિક સોનામાં મોટો સુધારો જોવા મળશે. શક્યતા એવી પણ છે કે ધારણા કરતાં આ સુધારો વધુ મોટો હશે.   
કિંમતી ધાતુઓમાં તેજીનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. તે એવું સૂચવે છે કે તેજીની આ નવી સાયકલ સોનાના ભાવને 2100 ડોલર પાર કરાવી દે. શક્ય છે કે સોનાની આ તેજી 6 ઓગસ્ટ 2020ના 2107 ડોલર નવા ઐતિહાસિક ઊંચા ભાવને પણ આંબી જાય. ટેકનિકલ એનાલિસ્ટો કહે છે કે એક વખત ભાવ 1960થી 1965 ડોલર વટાવી જાય તો ત્યાંથી તે 2067 ડોલર અને 2305 ડોલર તરફ કૂચ કરશે. 2067 ડોલર એ ઓગસ્ટ 2020ની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી નીચેની પ્રતિકારની સપાટી હશે.  
માર્ચ 2020માં જાગતિક શેરબજારો ઊંધેકાંધ પડ્યા હતા, ત્યારે સોનાના ભાવ 1599 ડોલરથી સતત વધતાં રહી 6 ઓગસ્ટ 2020 સુધીમાં ઐતિહાસિક સ્ફોટક તેજી જોવાઈ હતી. 2020ના બીજા છમાસિકમાં ભાવો ઘટયા હોવા છતાં વાર્ષિક 24.6 ટકાનો નફો પ્રાપ્ત થયો હતો. એપ્રિલ 2004માં ભાવ 256 ડોલરના તળિયે હતા જે એક દાયકા બાદ 450 ટકાના ઉછાળે ઓગસ્ટ 2011માં 1828 ડોલર થયા હતા. 
જો આવી જ ઘટના તાજેતરના તળિયેથી સર્જાય તો સોનાની એક દાયકાની તેજીમાં ભાવ 6500 ડોલર થવા જોઈએ. અત્યારે તેજીની જે સવારી ચાલે છે તે 2003 અને 2006માં હતી તેવી તેજીની ઝલક આપે છે. અમેરિકા અને જાગતિક બજારમાં જે પ્રમાણેની અર્થવ્યવસ્થા રચાઈ રહી છે તે જોતાં પણ કહી શકાય કે સોનાના ભાવ અહીથી ઊંચે જવા જોઈએ.  
તમને ખ્યાલ હશે કે 2005 અને 2007 વચ્ચે ફેડરલ રિઝર્વે બજારમાં કરજનું પ્રમાણ ઘટાડવા માટે વ્યાજદર વધારીને આ જ પ્રકારની નાણાંનીતિ અપનાવી હતી. એક તરફ યુએસ ફેડ વ્યાજદર વધારતી હતી અને બીજી બાજુ શેરોમાં લેવાલી નીકળતાં મહત્ત્વના સૂચકાંકો વધ્યે જતા હતા. આવી પરિસ્થિતિમાં રોકાણકારો અને સટોડિયાઓએ અજાણ્યા જોખમનું નિવારણ કરવાઅન્ય બજારોમાં સતત લેવાલી શરુ કરી હતી.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer