ગુજરાત ટેક્નૉલૉજિકલ યુનિ. ગૌ ઉદ્યમીતા અને રોજગારની તકો પૂરી પાડશે

અમદાવાદ, તા. 6: સ્વદેશી ગાયના સંવર્ધનથી લઈને પંચગવ્યના ઉત્પાદનોને વેગ મળે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા `રાષ્ટ્રીય કામધેનુ આયોગનું` ગઠન કરવામાં આવેલ છે. આયોગ દ્વારા તમામ યુનિવર્સિટીઓને પણ આ ક્ષેત્રમાં કાર્યરત રહીને કામધેનુ ચેરની રચના કરવા માટે અપીલ કરવામાં આવી હતી તે અંતર્ગત તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા કામધેનુ ચેરની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીની મદદથી ખેતી અને ગૌ સંવર્ધને પ્રાથમિકતા આપીને, ન માત્ર ભાવનાત્મક, વૈજ્ઞાનિક ઢબે પણ જીટીયુ-ગૌ દ્વારા કાર્યરત રહીને ઉદ્યમીતા અને રોજગારની અનેક તકો પૂરી પડાશે. 
આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે અને કામધેનુ ચેર અંતર્ગત જીટીયુ દ્વારા રાજ્યપાલના હસ્તે `જીટીયુ ગૌ અનુસંધાન યુનિટનું (જીટીયુ-ગૌ)' ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જીટીયુને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જીટીયુ આ પ્રકારે ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ સહિત અન્ય પદાધિકારીઓ ઓનલાઇન હાજર રહ્યા હતા.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer