મરાઠા અનામત માટે સંભાજી રાજે આક્રમક, કોલ્હાપુરથી 16 જૂને પહેલો મોરચો

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : આજે છત્રપતિ શિવાજી મહારાજના 348મા રાજ્યાભિષેક દિન નિમિત્તે રાયગડ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ સંભાજી રાજેએ મરાઠા અનામત માટે આંદોલનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 16 જૂને મરાઠા અનામત માટે પહેલો મોરચો કાઢવામાં આવશે. 
આ પ્રસંગે સાંસદ સંભાજી રાજેએ જણાવ્યું હતું કે છત્રપતિ શાહુ મહારાજે અનામત આપી હતી એ શાહુ મહારાજની કોલ્હાપુર સ્થિત સમાધિ ખાતે અમે આંદોલનની શરૂઆત કરશું. 16 જૂને મરાઠા અનામત માટે મોરચો કાઢવામાં આવશે એમ તેમણે જણાવ્યુ હતું. ઉપરાંત, મરાઠા અનામત સુપ્રીમ કોર્ટે રદ કર્યુ છે, અત્યારની અને અગાઉની સરકાર એક બીજા સામે આંગળી ચીંધે છે. તમે રમત શરૂ કરી છે પણ હું એ થવા નહીં દઉં. હું સંયમી છું એનું મને અભિમાન છે. તમે મારો સંયમ જોયો, પણ હવે હું સંયમિત રહીશ નહીં. હવે જે થાય તે, મારૂં મૃત્યુ થશે તો ચાલશે પણ સમાજને ન્યાય અપાવ્યા વિના રહીશ નહીં, એવી ચીમકી સંભાજી રાજેએ આપી હતી. 
સંભાજી રાજેએ વધુમાં જણાવ્યુ કે, હું કંઈ રાજકારણી નથી અને રાજકારણ કરવાનો નથી. જો કોઈ ભૂલ થઈ તો દિલગીરી વ્યક્ત કરૂં છું પણ ગેરમાર્ગે દોરવાનું અમારા લોહીમાં નથી. સમાજને દિશા દાખવવાનું કામ કરવાનું છે. શિવાજીરાજેએ જે સમાજ માટે કાર્ય ક્રર્યું હતું એને આપણે આગળ ધપાવવાનું છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer